- સાઉથ આફ્રિકા વિન્ડિઝને હરાવીને સેમિફાઈનલ માટે ક્વોલિફાય
- આફ્રિકા સેમીફાઈનલમાં પહોંચનારી ઈંગ્લેન્ડ બાદ બીજી ટીમ બની
- તબરાઈઝ શમ્સીને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો
સાઉથ આફ્રિકાએ T20 વર્લ્ડકપમાં સુપર-8ની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. વર્લ્ડકપમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝની સફર હવે પૂરી થઈ ગઈ છે. સાઉથ આફ્રિકા ગ્રુપ-2માંથી સેમીફાઈનલમાં પહોંચનારી ઈંગ્લેન્ડ બાદ બીજી ટીમ બની ગઈ છે.
વેસ્ટ ઈન્ડિઝ ઈનિંગ
સાઉથ આફ્રિકા સામેની મેચમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 135 રન બનાવ્યા હતા. રોસ્ટન ચેઝ અને કાયલ માયર્સ સિવાય અન્ય કોઈ બેટ્સમેને આ મહત્વપૂર્ણ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ માટે કંઈ ખાસ કર્યું નથી. આ બંને વચ્ચે 65 બોલમાં 81 રનની ભાગીદારીના પરિણામે જ કેરેબિયન ટીમ 135 રનના આંકડા સુધી પહોંચી શકી હતી.
વેસ્ટ ઈન્ડિઝને 135 રન સુધી સીમિત કરવામાં સાઉથ આફ્રિકાના સ્પિનર તબરાઈઝ શમ્સીનું મોટું યોગદાન હતું. તેણે 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે T20 ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પણ પૂરી કરી હતી. શમ્સી ઉપરાંત યાન્સન, માર્કરામ, મહારાજ અને રબાડાને 1-1 વિકેટ મળી હતી. સાઉથ આફ્રિકાએ આ મેચમાં કુલ 6 બોલરોને અજમાવ્યા હતા, જેમાં નોર્ખિયા સિવાય તમામને વિકેટ મળી હતી.
સાઉથ આફ્રિકાની ઈનિંગ
સાઉથ આફ્રિકાને 136 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરવા માટે સાઉથ આફ્રિકાની ટીમે 2 ઓવરમાં 2 વિકેટે 15 રન જ બનાવી લીધા હતા. ત્યારબાદ વરસાદને કારણે મેચ રોકવી પડી હતી. આ પછી, જ્યારે ફરીથી મેચ શરૂ થઈ, ત્યારે ઓવરો કાપવામાં આવી અને DLSના નિયમ હેઠળ સાઉથ આફ્રિકા માટે નવો ટાર્ગેટ મૂકવામાં આવ્યો. 3 ઓવરના ઘટાડા સાથે, સાઉથ આફ્રિકાને 17 ઓવરમાં 123 રનનો નવો ટાર્ગેટ મળ્યો હતો, જેમાંથી તેણે 15 રન બનાવ્યા હતા. મતલબ હવે તેણે બાકીના 90 બોલમાં 108 રન બનાવવાના હતા.
જે સાઉથ આફ્રિકાએ 16.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી બેટિંગ કરતા સ્ટબ્સે સૌથી વધુ 29 રનની ઇનિંગ રમી હતી. સાઉથ આફ્રિકા માટે પણ આ જીત એટલી સરળ નહોતી. સતત વિકેટ પડવાના કારણે આફ્રિકા મેચમાં એક તબક્કે પાછળ હતું પરંતુ અંતે ટીમનો વિજય થયો હતો.
વેસ્ટ ઈન્ડિઝની સફર સમાપ્ત
આ મેચની હાર સાથે વેસ્ટ ઈન્ડિઝની વર્લ્ડકપમાં સફર હવે સમાપ્ત થઈ ગઈ છે. ગ્રુપ-2માંથી ઈંગ્લેન્ડ બાદ હવે સાઉથ આફ્રિકા સેમીફાઈનલમાં ક્વોલિફાઈ થનારી બીજી ટીમ બની ગઈ છે. આ મેચમાં સાઉથ આફ્રિકા તરફથી તબરેઝ શમ્સીએ શાનદાર બોલિંગ કરી હતી. શમ્સીએ 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.