- TATAએ પાંચ વર્ષ માટે સ્પોન્સરશિપના અધિકાર મેળવ્યા
- BCCIના સચિવ જય શાહે ટ્વિટર પર આપી જાણકારી
- ગત વર્ષે IPLના અધિકાર પણ TATAને મળ્યા હતા
મહિલા IPLને લઇ ભારે ઉત્સાહ વચ્ચે ચાહકો માટે વધુ એક્સ અર સમાચાર સામે આવ્યા છે. વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ને ટાઈટલ સ્પૉન્સર મળી ગયા છે. ગત વર્ષે IPLના સ્પોન્સર બનનાર TATA ગ્રૂપને જ આગામી પાંચ વર્ષ માટે WPLના ટાઈટલ સ્પોન્સરશિપના અધિકાર મળ્યા છે. ભારતની જાણીતી બિઝનેસ કંપનીઓમાંથી એક ટાટા ગ્રૂપે મંગળવારે ટાઈટલ સ્પોન્સરશિપ માટે BCCI સાથે ડીલ કરી છે.

TATAએ પાંચ વર્ષ માટે અધિકાર મેળવ્યા
BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે ટાટાએ પાંચ વર્ષ માટે આ અધિકાર મેળવ્યા છે. જો કે આ ડીલ કેટલામાં ફાઈનલ થઈ તે અંગેનો આંકડો હજુ સુધી બહાર નથી આવ્યો. ટાટાએ ગત વર્ષે IPLના અધિકાર પણ મેળવ્યા હતા. વર્ષ 2022માં ચાઈનીઝ મોબાઈલ કંપની વીવોની જગ્યાએ ટાટા IPLનું ટાઈટલ સ્પોન્સર બન્યું હતું.
જય શાહે ટ્વિટ કરી આપી માહિતી
ટ્વિટર પર BCCIના સચિવ જય શાહે WPLનું ટાઈટલ સ્પોન્સર ટાટા ગ્રૂપ બન્યું હોવાની જાણકારી શેર કરી હતી. જય શાહે ટ્વિટ કરી લખ્યું- મને આ જાહેરાત કરતા ઘણી ખુશી થઈ રહી છે કે ટાટા ગ્રૂપ પહેલા WPL ટાઈટલના સ્પોન્સર હશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેમના સહયોગથી અમે મહિલા ક્રિકેટને નવી ઉંચાઈ પર લાવીશું.

4 માર્ચે યોજાશે પહેલો મુકાબલો
આગામી મહિનાથી WPLની પહેલી સિઝન શરૂ થશે. જેની પહેલી મેચ 4 માર્ચ અને ફાઈનલ મેચ 26 માર્ચે રમાશે. WPL માટે યોજાયેલ ઓક્શનમાં પાંચ ટીમોએ 87 ખેલાડીઓ પર 59.50 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. દરેક ફ્રેન્ચાઈઝની પાસે કુલ 12-12 કરોડ રૂપિયા ખર્ચ કરવાની લિમિટ હતી. ટીમ ઇન્ડિયાની સ્ટાર ઓપનર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના ઓક્શનમાં સૌથી મોંઘી ખેલાડી રહી હતી, તેને RCBએ ત્રણ કરોડ 40 લાખ રૂપિયામાં ખરીદી હતી.