• છેલ્લી વન-ડેમાં મોટો અપસેટ, ઓસ્ટ્રેલિયાએ 2-1થી જીતી શ્રેણી
  • ઓસ્ટ્રેલિયાના કુલ સ્કોર 141માં ઓપનર વોર્નરના જ 94 રન
  • રેયાન બર્લએ ફક્ત 10 રન આપી ઓસ્ટ્રેલિયાની પાંચ વિકેટ ઝડપી

ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝના છેલ્લા મુકાબલામાં મોટો અપસેટ સર્જ્યો છે અને ટીમ ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે મોટો ફટકો માર્યો છે. ઝિમ્બાબ્વેના લેગ સ્પિનર રેયાન બર્લએ ફક્ત 10 રન આપીને ઓસ્ટ્રેલિયાની પાંચ વિકેટ ઝડપીને પોતાની કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો જેને પગલે ઝિમ્બાબ્વેએ વન-ડે સિરીઝની આ ત્રીજી મેચમાં પાંચ વારની વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને ત્રણ વિકેટે હરાવી દીધી હતી. આ અગાઉની બે મેચમાં યજમાન ટીમે વિજય મેળવ્યો હોવાના કારણે આ સિરીઝ ઓસ્ટ્રેલિયાએ 2-1થી જીતી લીધી છે.


ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે મોટો ફટકો

ત્રીજી વન-ડેમાં પ્રવાસી ટીમે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પછી યજમાન ટીમને ફક્ત 141 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. નોંધનીય છે કે ઝિમ્બાબ્વે સામે ઓસ્ટ્રેલિયાનો આ સૌથી નીચો સ્કોર પણ છે. પ્રવાસી ટીમે પહેલી 10 ઓવરમાં જ કાંગારુઓની ત્રણ વિકેટ ઝડપી લીધી હતી જેમાંથી તેઓ છેવટ સુધી બહાર આવી શક્યા ન હતાં. ઓસ્ટ્રેલિયાના 141 રનના ટોટલમાં ઓપનર વોર્નરનું યોગદાન 94 રનનું રહ્યું હતું. તેણે 96 બોલની પોતાની ઈનિંગમાં 14 ફોર અને બે સિક્સર ફટકારી હતી. તેના સિવાય ફક્ત મેક્સવેલ(19) જ બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો હતો.


ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

જવાબમાં ઝિમ્બાબ્વેએ 66 બોલ બાકી હતાં ત્યારે જ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. પ્રવાસી ટીમ તરફથી કેપ્ટન રેઝિસ ચકાબવાએ સૌથી વધારે 37 રન નોંધાવ્યા હતાં. તે પછી તદિવાનાશે મારુમનીએ 35 રનનું યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વેએ સાત વિકેટના ભોગે 142 રન બનાવીને જીત હાંસલ કરી લીધી હતી. 

  • Follow us on: