- ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 અને ODI સિરીઝ રમાશે
- આ સિરીઝ માટે ભારતીય ટીમ 22 જૂલાઈએ શ્રીલંકા પહોંચી
- આ સિરીઝમાં શુભમન ગિલ બંને ફોર્મેટમાં વાઈસ કેપ્ટન
ભારતીય ટીમ 22 જુલાઈએ શ્રીલંકા પહોંચી હતી. ફેન્સથી લઈને ખેલાડીઓ સુધી તેઓ આ પ્રવાસને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાય છે, કારણ કે ટીમ ઈન્ડિયા તેના નવા હેડ કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં તેની પ્રથમ સિરીઝ રમવા જઈ રહી છે. ગૌતમ ગંભીર પોતાના કાર્યકાળની શરૂઆત શ્રીલંકા પ્રવાસથી કરવા જઈ રહ્યો છે. આજે તમામ ખેલાડીઓ ગૌતમ ગંભીરની દેખરેખ હેઠળ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવાના છે. આ પ્રેક્ટિસ સેશનમાં તમામની નજર એક ખેલાડી પર ટકેલી છે.
પ્રેક્ટિસ સેશન 3 કલાક ચાલશે
ટીમ ઈન્ડિયા 27 જુલાઈથી પોતાના શ્રીલંકા પ્રવાસની શરૂઆત કરવા જઈ રહી છે. T20 સિરીઝની પ્રથમ મેચ 27મી જુલાઈએ રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયાનું પહેલું પ્રેક્ટિસ સેશન મંગળવારે એટલે કે આજે થવા જઈ રહ્યું છે. ગૌતમ ગંભીર સાથે ટીમ ઈન્ડિયાનું આ પહેલું પ્રેક્ટિસ સેશન હશે. આ દરમિયાન તમામ ખેલાડીઓ નેટ પર પરસેવો પાડતા જોવા મળશે.
આ ખેલાડી પર રહેશે નજર
રોહિત શર્માને ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને સૂર્યકુમાર યાદવને શ્રીલંકા પ્રવાસ માટે T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ બંને સિવાય આ વખતે બધાની નજર શુભમન ગિલ પર છે. ગિલને આ પ્રવાસ માટે ODI અને T20 બંને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા ભવિષ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતી જોવા મળી રહી છે. આ પહેલા ગિલને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ગિલની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ આ સિરીઝ 4-1થી જીતી હતી.
રોહિત-વિરાટ વાપસી કરી રહ્યા છે
T20 વર્લ્ડકપ 2024 બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી બ્રેક પર હતા. જે બાદ હવે આ બંને ખેલાડીઓ આ પ્રવાસમાં વાપસી કરી રહ્યા છે. રોહિત શર્મા વનડે સિરીઝમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આ સિવાય વિરાટ કોહલી વનડે સિરીઝમાં રમતો જોવા મળશે.