- ગૌતમ ગંભીર અને અજીત અગરકરે કરી પ્રેસ કોન્ફરન્સ
- ટીમ ઈન્ડિયાના પસંદગી અંગેના સવાલના આપ્યા જવાબ
- મોહમ્મદ શમીની વાપસી અંગ પણ આપ્યું અપડેટ
શ્રીલંકા પ્રવાસ પર રવાના થતા પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ સવાલોના જવાબ આપ્યા છે. ગૌતમ ગંભીર અને અજીત અગરકરે સૂર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ, રોહિત અને વિરાટનું ભવિષ્ય, રવિન્દ્ર જાડેજાને ટીમની બહાર રાખવા જેવા તમામ મોટા આરોપો પર પોતાના જવાબો આપ્યા હતા. તે જ સમયે, મોહમ્મદ શમી ક્યારે મેદાનમાં પરત ફરશે તે પ્રશ્નનો પણ જવાબ આપ્યો હતો.
સપ્ટેમ્બરમાં કરી શકે છે વાપસી
મોહમ્મદ શમી પગની ઈજા બાદ ટીમ ઈન્ડિયાની બહાર છે. ટીમ ઈન્ડિયાના પસંદગીકાર અજીત અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં મોહમ્મદ શમીની વાપસી અંગે અપડેટ આપતા કહ્યું કે, 'તેણે હવે બોલિંગ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાની બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરે છે. ધ્યેય હંમેશા એ જ હતો કે તે જલદી મેદાનમાં પરત ફરે. મારે નેશનલ ક્રિકેટ એકેડમીના લોકો સાથે વાત કરવી પડશે કે તે આ સમયે કેટલો ફિટ છે અને તે બાંગ્લાદેશ સામેની સિરીઝમાં વાપસી કરી શકશે કે નહીં.
શમીએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી
મોહમ્મદ શમીએ બે દિવસ પહેલા એક ઈન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે તેણે બોલિંગની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. મોહમ્મદ શમીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તે બોલિંગ કરતો જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મોહમ્મદ શમી જલદી જ NCA જઈને પોતાની ફિટનેસ સાબિત કરી શકે છે.
બાંગ્લાદેશ સામે સપ્ટેમ્બર સામે શરૂ થશે સિરીઝ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પછી ટીમ ઈન્ડિયા નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સાથે 3 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. માનવામાં આવી રહ્યું છે કે મોહમ્મદ શમી આ ટૂરથી જ ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળશે. ન્યુઝીલેન્ડ બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સાથે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમશે.