- આજે વિલિયમસનની આજે 33મો જન્મદિવસ
- વિલિયમસનની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે
- કેન વિલિયમસનનું હુલામણુ નામ 'કેન મામા' છે
ન્યુઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન આજે (8 ઓગસ્ટ) પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. વિલિયમસનને આધુનિક યુગના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે. ટી-20 ક્રિકેટના આ યુગમાં જ્યાં મોટાભાગના બેટ્સમેન નવા શોટ્સ શોધે છે. તેનાથી વિપરીત, વિલિયમસને તેની કોપી બુક સ્ટાઈલની બેટિંગ શૈલીમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેને હંમેશા પોતાની ટેકનિકમાં વિશ્વાસ છે.
કેન વિલિયમસનને ફેબ-4ની કેટેગરીમાં રાખવામાં આવ્યો છે જેમાં વિરાટ કોહલી, જો રૂટ અને સ્ટીવ સ્મિથ પણ સામેલ છે. ક્રિકેટ સિવાયની વાત કરીએ તો કેન વિલિયમસન હંમેશા પોતાના જીવનને અંગત રાખે છે. વિલિયમસનની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે.
કેન વિલિયમસનની લવસ્ટોરી
વર્ષ 2015માં કેન વિલિયમસન સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. અહીં જ તેની મુલાકાત નર્સ સારા રહીમ સાથે થઈ અને તેને સારા સાથે પ્રેમ થઈ ગયો. ત્યારે આ પ્રેમ એકતરફી હતો. જોકે ધીમે ધીમે સારા પણ કેન વિલિયમસનને પસંદ કરવા લાગી અને પછી બંને રિલેશનશિપમાં આવી ગયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિલિયમસન અને સારાએ હજુ સુધી લગ્ન કર્યા નથી. આમ છતાં બંને પતિ-પત્નીની જેમ રહે છે.
2020માં દિકરીને આપ્યો જન્મ
સારાએ લગભગ 5 વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ 16 ડિસેમ્બર 2020ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. વિલિયમસને એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. એકવાર ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે પણ એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે વિલિયમસન અને તેની પુત્રી સાથે જોવા મળ્યા હતા. મે 2022 માં, કેન અને સારા ફરી એકવાર માતાપિતા બન્યા. આ વખતે તેમના ઘરે પુત્રનો જન્મ થયો.
કેન વિલિયમસનની પાર્ટનર સારા રહીમનું નામ પણ પાકિસ્તાન સાથે ઘણી વખત જોડવામાં આવ્યું હતું. લોકોએ અનુમાન લગાવ્યું કે સારા પાકિસ્તાની છોકરી છે. જો કે, તમને જણાવી દઈએ કે સારા મૂળ ઈંગ્લેન્ડની છે. તેનો જન્મ બ્રિસ્ટોલમાં થયો હતો.
કેન વિલિયમસનનું હુલામણુ નામ 'કેન મામા' છે
કેન વિલિયમસને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે, પરંતુ તે વનડે અને ટી-20માં ન્યૂઝીલેન્ડ ટીમનો કેપ્ટન યથાવત છે. સાથી ખેલાડીઓ પણ વિલિયમસનને 'કેન મામા' કહીને બોલાવે છે. વિલિયમસન જ્યારે બીજી વખત પિતા બન્યો ત્યારે અફઘાન સ્પિનર રાશિદ ખાને તેને આ નામથી સંબોધ્યો હતો.
વિલિયમસનનું અત્યાર સુધીનું પ્રદર્શન
કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધીમાં 94 ટેસ્ટ, 161 વનડે અને 87 ટી-20 મેચ રમી ચૂક્યો છે. ટેસ્ટ મેચોમાં તેણે 54.89ની એવરેજથી 8124 રન બનાવ્યા છે, જેમાં 28 સદી અને 33 અડધી સદી સામેલ છે. વન ડે ઈન્ટરનેશનલમાં વિલિયમસને 47.83ની એવરેજથી 6554 રન બનાવ્યા છે. કેન વિલિયમસને વનડેમાં 13 સદી અને 42 અડધી સદી ફટકારી છે. T20 ઈન્ટરનેશનલમાં વિલિયમસને 33.29ની એવરેજ અને 17 અડધી સદીની મદદથી 2464 રન બનાવ્યા છે. વિલિયમસન ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. જ્યારે ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ રન બનાવવાના મામલે તે રોસ ટેલર પછી બીજા ક્રમે છે.