• વર્લ્ડકપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે ભારતીય ટીમ
  • આ પહેલા 4 વખત T20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં પહોંચ્યું ભારત
  • કોહલી T20 વર્લ્ડકપની નોકઆઉટ મેચમાં વિકેટ લેનારો છેલ્લો ખેલાડી

ભારતીય ટીમ વર્લ્ડકપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાવાની છે. T20 વર્લ્ડકપની નોકઆઉટ મેચોમાં ભારતનો રેકોર્ડ બહુ સારો રહ્યો નથી. ટીમ ઈન્ડિયા પહેલા 4 વખત T20 ફોર્મેટ વર્લ્ડકપની સેમીફાઈનલમાં પહોંચી હતી, જેમાંથી માત્ર 2 વખત જ જીતી શકી હતી. અહીં અમે તમને વિરાટ કોહલી વિશે જણાવીશું કારણ કે અત્યાર સુધી કોહલી T20 વર્લ્ડકપની નોકઆઉટ મેચમાં વિકેટ લેનારો છેલ્લો ખેલાડી છે. છેલ્લા 8 વર્ષથી કિંગ કોહલી ભારત માટે નોકઆઉટ મેચમાં વિકેટ લેનારો છેલ્લો બોલર રહ્યો છે.

2016માં કર્યું હતું આ કારનામું

તમને જણાવી દઈએ કે 2016 T20 વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં ભારતે પહેલા રમતા 192 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે 7 વિકેટ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો અને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ત્રીજી અને છેલ્લી વિકેટ જોન્સન ચાર્લ્સની હતી. તે મેચમાં ચાર્લ્સે 36 બોલમાં 52 રન બનાવ્યા હતા અને વિરાટ કોહલીની બોલિંગમાં રોહિત શર્માના હાથે કેચ થયો હતો. તે પછી ટી-20 વર્લ્ડકપની કોઈપણ નોકઆઉટ મેચમાં કોઈ ભારતીય બોલર વિકેટ લઈ શક્યો નથી.

ભારત માટે સેમીફાઇનલ એક સપનું

આ પછી ટીમ ઈન્ડિયા 2021 વર્લ્ડકપમાં સેમીફાઈનલમાં પહોંચી શકી ન હતી. ભારત 2022ના વર્લ્ડકપમાં સેમી ફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યાં તેનો સામનો ઇંગ્લેન્ડ સામે થયો હતો. ઈંગ્લિશ ટીમે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના ટીમ ઈન્ડિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે ભારત 2024 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ફરી એકવાર ઇંગ્લેન્ડ સામે ટકરાવાનું છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે કોહલીના 8 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાનો કયો બોલર નોકઆઉટ મેચમાં વિકેટ લેવામાં સફળ રહે છે.

  • Follow us on: