•  ભારત અને સાઉથ આફ્રિકા અંતિમ-4 માટે ફેવરિટ

  • સુપર-12ના ગ્રૂપ-2મા આજે સેમિફાઇનલની બે ટીમો નિશ્ચિત થશે,
  • બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાનની ગણતરી બગાડે તેવી સંભાવના,

આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં છઠ્ઠી નવેમ્બરનો દિવસ તમામ ટીમો માટે મહત્ત્વપૂર્ણ છે. રવિવારે ગ્રૂપ-2ના ત્રણ મુકાબલા રમાશે જેમાં પ્રથમ મુકાબલો સાઉથ આફ્રિકા વિ. નેધરલેન્ડ્સ, બીજો પાકિસ્તાન વિ. બાંગ્લાદેશ અને ત્રીજો ભારત વિ. ઝિમ્બાબ્વે વચ્ચે રમાશે. આ ત્રણેય મુકાબલા તમામ ટીમો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સેમિફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે ચાર ટીમો મેદાનમાં ઊતરશે. સાઉથ આફ્રિકા જો નેધરલેન્ડ્સને હરાવશે તો તે સેમિફાઇનલ માટે સીધું ક્વોલિફાય કરશે. જો તેને પરાજય મળશે તો પાકિસ્તાન માટે અંતિમ-4મા પ્રવેશવાની તક રહેશે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વેને હરાવીને સુપર-12 રાઉન્ડના ગ્રૂપ-2મા ટોચના સ્થાને રહીને પોતાની લીગ મેચોની સફર પૂરી કરશે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે ભારતને છેલ્લી મેચ રમવાની છે તેથી તે રનરેટની ગણતરીને ધ્યાનમાં રાખીને પણ ગેમપ્લાન તૈયાર કરી શકશે. જોકે રોહિત અને તેની ટીમ જો અને તોની સ્થિતિમાં પ્રવેશવાના બદલે વિજય મેળવીને સીધું ક્વોલિફાય કરવા માટે મેદાનમાં ઊતરશે.

સાઉથ આફ્રિકા વિ. નેધરલેન્ડ્સ

રવિવારનો પ્રથમ મુકાબલો સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ્સ વચ્ચે એડિલેડ ઓવલ ખાતે રમાશે. આ મુકાબલો વહેલી સવારે 5:30 કલાકે શરૂ થશે. સાઉથ આફ્રિકા ચાર મેચમાં પાંચ પોઇન્ટ ધરાવે છે. તેનો નેટ રનરેટ 1.441નો છે અને તે વિજય મેળવીને સાત પોઇન્ટ સાથે સીધું ક્વોલિફાય કરવાનો પ્રયત્ન કરશે.

પાકિસ્તાન વિ. બાંગ્લાદેશ

એડિલેડ ઓવલ ખાતે આ મુકાબલો સવારે 9:30 વાગ્યાથી રમાશે. પાકિસ્તાને સેમિફાઇનલની રેસમાં જીવંત રહેવા માટે કોઈ પણ ભોગે આ મેચ જીતવી પડે તેમ છે. પાકિસ્તાન ચાર મેચમાં ચાર તથા બાંગ્લાદેશ પણ ચાર પોઇન્ટ ધરાવતી હોવાના કારણે આ મુકાબલો રસપ્રદ બનશે.

ભારત વિ. ઝિમ્બાબ્વે : બપોરે 1.30થી પ્રારંભ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ મુકાબલો બપોરે 1:30 વાગ્યાથી રમાશે. ભારત ચાર મેચમાં છ પોઇન્ટ ધરાવે છે અને તેનો રનરેટ 0.730નો છે. ભારતે સીધો વિજય સાથે આઠ પોઇન્ટ મેળવી સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરવું પડશે કારણ કે તેનો નેટ રનરેટ પાકિસ્તાન કરતાં ઓછો છે.


  • Follow us on: