• સ્વિયાતેકે આર્યના સબાલેન્કોને 3-6, 6-1, 6-4થી હરાવી
  • ઇમરજન્સી બાથરૂમ બ્રેક લીધા બાદ બીજો-ત્રીજો સેટ જીતી લીધો
  • વિમ્બલ્ડનની રનર્સ-અપ સતત બીજી ગ્રાન્ડસ્લેમન ફાઇનલ રમશે

વિશ્વની પ્રથમ ક્રમાંકિત ઇગા સ્વિયાતેક અને વિમ્બલ્ડન 2022ની રનર્સ-અપ ઓન્સ જાબેરે વિરોધાભાસી અંદાજમાં વિજય હાંસલ કરીને પ્રથમ વખત યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જાબેરે પોતાની સર્વશ્રેષ્ઠ ટેનિસનું પ્રદર્શન કરીને કેરોલિના ગાર્સિયાને કોઈ પણ મુશ્કેલી વિના 6-1, 6-3થી હરાવીને સતત બીજા ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જાબેરે ગાર્સિયાની સતત 13 મેચ જીતવાના અભિયાનનો પણ અંત આણ્યો હતો.


ફાઇનલમાં જાબેર-સ્વિયાતેક વચ્ચે ટક્કર

ટયૂનેશિયાની ખેલાડી જાબેર શનિવારે રમાનારી ફાઇનલમાં સ્વિયાતેક સામે ટકરાશે જેણે પ્રથમ સેટ હાર્યા બાદ છઠ્ઠી ક્રમાંકિત આર્યના સબાલેન્કોને 3-6, 6-1, 6-4થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સ્વિયાતેક યુએસ ઓપનમાં અત્યાર સુધી ચોથા રાઉન્ડથી આગળ વધી શકી નહોતી પરંતુ પોલેન્ડની 21 વર્ષીય ખેલાડીના નામે બે ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ નોંધાયેલા છે. પાંચમી ક્રમાંકિત 28 વર્ષની ઓન્સ જાબેર 1968માં શરૂ થયેલા પ્રોફેશનલ યુગમાં યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ આફ્રિકન ખેલાડી બની ગઈ છે. 


ઇમરજન્સી બાથરૂમ બ્રેક બાદ બે સેટ જીત્યા

સેમિફાઇનલ દરમિયાન સ્વિયાતેક પ્રથમ સેટ ગુમાવી ચૂકી હતી અને તેણે ઇમરજન્સી બાથરૂમ બ્રેક લીધો હતો. ત્યારબાદ તેણે અલગ પ્રકારની રમત દાખવી હતી અને બીજો તથા ત્રીજો સેટ જીતી લીધો હતો. બ્રેક પહેલાં સ્વિયાતેકે પ્રથમ સેટમાં અનેક સામાન્ય ભૂલો કરી હતી અને બ્રેક બાદ તેણે પોતાની રણનીતિ બદલીને રિધમ હાંસલ કરી લીધી હતી. સ્વિયાતેકે ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરતાં પહેલાં છેલ્લા 20માંથી 16 પોઇન્ટ પોતાની તરફેણમાં કર્યા હતા.

  • Follow us on: