- કોર્ટ ઉપર રેકેટ તોડવાનું કિર્ગિયોસને ભારે પડયું
- ઓસ્ટ્રેલિયન ખેલાડીને કુલ 32 હજાર 500 ડોલરનો દંડ થયો
- ક્વાર્ટર ફાઇનલમાં ખાચાનોવ સામે હાર્યા બાદ કરી હરકત
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ટેનિસ ખેલાડી નિક કિર્ગિયોસને યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં કારેન ખાચાનોવ સામેની મેચ હાર્યા બાદ ટેનિસ કોર્ટ ઉપર રેકેટ તોડવાનું ભારે પડયું છે અને આયોજકો દ્વારા તેને 14 હજાર ડોલર (લગભગ 11 લાખ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઇનામી રકમમાંથી 32,500 ડોલર કાપી લેવામાં આવશે
ખાચાનોવ સામે કિર્ગિયોસનો 7-5,4-6, 7-5, 6-7, 6-4થી પરાજય થયો હતો અને તેણે ગુસ્સામાં આવીને બે રેકેટ તોડી નાખ્યા હતા. ચાલુ વર્ષે ટૂર્નામેન્ટમાં આ સૌથી મોટો દંડ ફટકારવામાં આવ્યો છે અને યુએસ ઓપનમાં તેને પાંચ ગુના માટે કુલ 32 હજાર 500 ડોલરનો દંડ થયો છે જે તેને યુએસ ઓપનમાંથી મળનારી લગભગ દોઢ લાખ ડોલરની ઇનામી રકમમાંથી કાપી લેવામાં આવશે.

ક્વાર્ટર ફાઇનલ હાર્યા બાદ કિર્ગિયોસની પ્રતિક્રિયા
ફ્લશિંગ મિડોઝ ખાતે અંતિમ-16ના રાઉન્ડમાં વિશ્વના પ્રથમ ક્રમાંકિત ડેનિલ મેડવેડેવને હરાવનાર કિર્ગિયોસે ક્વાર્ટર ફાઇનલ હાર્યા બાદ જણાવ્યું હતું કે મારા તમામ પ્રયાસો બેકાર ગયા છે. ગ્રાન્ડસ્લેમમાં લોકોને તમે જીતો છો કે હારો છો તે જ યાદ રહેતું હોય છે. આ ઇવેન્ટમાં હું નિષ્ફળ રહ્યો છું તેવું મને લાગી રહ્યું છે.