- અફઘાનિસ્તાન સામે ભારતની 6 વિકેટે જીત
- ભારતે સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી
- એક પ્રશંસક સુરક્ષા તોડીને મેદાનમાં ઘુસ્યો
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની બીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ 6 વિકેટથી જીતીને સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. જો કે આ મેચમાં ભારતની જીત કરતાં વિરાટ કોહલીના પ્રશંસકની વધુ વાત કરવામાં આવી રહી છે.
ખરેખર, ઈન્દોરમાં રમાયેલી બીજી T20માં જ્યારે વિરાટ કોહલી બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે તેના એક પ્રશંસકે હદ વટાવી દીધી હતી. રવિવારે રમાયેલી મેચ દરમિયાન કોહલીનો એક પ્રશંસક સુરક્ષા વ્યવસ્થાને તોડીને મેદાનમાં ઘુસી ગયો હતો. આ પ્રશંસકે પહેલા કોહલીના પગને સ્પર્શ કર્યો અને પછી ભેટી પડ્યો હતો. જો કે, સુરક્ષા અધિકારીઓએ તરત જ આ ચાહકને પકડી લીધો અને તેને મેદાનની બહાર લઈ ગયા હતા.
વિરાટ કોહલીને ભેટી પડ્યો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું ઘણી વખત બન્યું છે, જ્યારે ચાહકો મેચ દરમિયાન સુરક્ષાનો ઘેરો તોડીને તેમના મનપસંદ ક્રિકેટરને ગળે લગાવવા અથવા તેના પગ સ્પર્શ કરવા ગયા હોય. ભારત-અફઘાનિસ્તાન બીજી T20 દરમિયાન પણ હોલકર સ્ટેડિયમના મેદાનમાં ફિલ્ડિંગ કરી રહેલા વિરાટ કોહલીની નજીક એક યુવક ગયો અને તેને ભેટી પડ્યો હતો.
આ ફેન્સની અટકાયત કરવામાં આવી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોહલીના આ પ્રશંસકને મેદાનમાંથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને તેને તુકોગંજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે યુવક પાસે મેચની ટિકિટ હતી અને તે નરેન્દ્ર હિરવાણી ગેટથી હોલકર સ્ટેડિયમમાં પ્રવેશ્યો હતો. તેણે કહ્યું કે યુવક કોહલીનો મોટો પ્રશંસક લાગે છે અને તે કોહલીને મળવાની ઈચ્છા સાથે દર્શકોની ગેલેરીની વાડ પર ચઢીને મેદાનમાં પ્રવેશ્યો હતો. અધિકારીએ કહ્યું કે યુવકની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછના આધારે કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.