વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. આવી સ્થિતિમાં તે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં જોરદાર પ્રદર્શન કરવા આતુર હશે. ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની સિરીઝ રમશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે.


બાંગ્લાદેશ સિરીઝમાં બની શકે આ રેકોર્ડ

વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરમાં અત્યાર સુધી કુલ 991 ફોર ફટકારી છે. જો તે બાંગ્લાદેશ સામેની સિરીઝમાં 9 ફોર ફટકારે છે તો તે ટેસ્ટ ક્રિકેટમાં તેના 1000 ફોર પૂર્ણ કરી લેશે. તેના પહેલા માત્ર ચાર ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં એક હજારથી વધુ ફોર ફટકારી શક્યા છે. જેમાં સચિન તેંડુલકર (2058), રાહુલ દ્રવિડ (1654), વીરેન્દ્ર સેહવાગ (1233) અને વીવીએસ લક્ષ્મણ (1135)નો સમાવેશ થાય છે. તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ફોર મારનાર બેટ્સમેન છે. તેણે અત્યાર સુધીમાં કુલ 2058 ચોગ્ગા ફટકારી છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ફોર મારનાર ભારતીય બેટ્સમેન

  • સચિન તેંડુલકર- 2058
  • રાહુલ દ્રવિડ - 1654
  • વિરેન્દ્ર સેહવાગ- 1233
  • વીવીએસ લક્ષ્મણ- 1135
  • વિરાટ કોહલી- 991

કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી

વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો. તેણે ભારતીય ટીમ માટે છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. તેણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 113 ટેસ્ટમાં 8848 રન બનાવ્યા છે. તેણે ભારત માટે 295 ODI અને 125 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

વિરાટ કોહલી ભારત માટે ત્રણેય ફોર્મેટમાં 100થી વધુ મેચ રમનાર એકમાત્ર ખેલાડી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે 80 સદી છે. સચિન તેંડુલકર પછી તે સૌથી વધુ સદી ફટકારનાર બીજા નંબરનો ખેલાડી છે. કોહલીની ફિટનેસ મેદાન પર દેખાઈ આવે છે. છેલ્લા એક દાયકામાં તે ટીમ ઈન્ડિયા માટે ટ્રબલ-શૂટર સાબિત થયો છે. મુશ્કેલ સંજોગોમાં જો કોહલી ક્રિઝ પર હોય તો ભારતીયો જીતની આશા રાખે છે.

  • Follow us on: