- વિરાટ બીજી વખત ડીપફેક વીડિયોનો શિકાર બન્યો!
- કોહલીનો એક ડીપફેક વીડિયો સો.મીડિયા પર વાયરલ
- ડીપફેક વીડિયોમાં કોહલીના અવાજ-ચહેરાના હાવભાવની નકલ
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોહલીને સાથી ખેલાડી શુભમન ગીલની ટીકા કરતો બતાવવામાં આવ્યો છે.
ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી ડીપફેક વીડિયોનો શિકાર બન્યો છે. કોહલીનો એક ડીપ ફેક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ ક્રિકેટરનો ડીપફેક વીડિયો વાયરલ થયો હોય, આ પહેલા ભારતના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો ડીપફેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ડીપફેક વીડિયોમાં કોહલીના અવાજ અને ચહેરાના હાવભાવની નકલ કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ફેન્સ ગીલની ટિપ્પણી કરી રહ્યા છે
આ ડીપફેક વીડિયોમાં વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલની ટીકા કરતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં વિરાટ કોહલીને એવું કહેતા સાંભળી શકાય છે કે લોકો આગામી કોહલી વિશે ઘણી વાતો કરે છે, પરંતુ વિરાટ કોહલી એક જ છે. મેં ગિલને નજીકથી જોયો છે, તે પ્રતિભાશાળી ખેલાડી છે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ આશાસ્પદ બનવામાં મોટો તફાવત છે. મેં જે સૌથી કઠિન બોલરોનો સામનો કર્યો છે. હું એક દાયકાથી સતત આવું કરી રહ્યો છું.
વિરાટ બીજી વખત ડીપફેક વીડિયોનો શિકાર બન્યો
વિરાટ કોહલી પહેલા પણ ડીપફેક વીડિયોનો શિકાર બની ચૂક્યો છે. આ પહેલા કોહલીને એક સટ્ટાબાજીની એપનો પ્રચાર કરતો બતાવવામાં આવ્યો હતો. વિરાટ કોહલીના વીડિયોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને છેડછાડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કોહલી અને ગિલ વચ્ચે ઘણા સારા સંબંધો છે. બંને ખેલાડીઓ મેદાન પર એકબીજાને સપોર્ટ કરતા જોવા મળે છે.
વિરાટ કોહલી હાલ ક્રિકેટના મેદાનથી દૂર છે. તે છેલ્લે શ્રીલંકા પ્રવાસ પર વનડે શ્રેણીમાં રમતા જોવા મળ્યો હતો. હવે કોહલી બાંગ્લાદેશ સાથે ટેસ્ટ શ્રેણીમાં રમતા જોવા મળશે. તો શુભમન ગિલ દુલીપ ટ્રોફીમાં રમતા જોવા મળશે.