- ઈંગ્લેન્ડમાં વિટાલિટી T20 બ્લાસ્ટ લીગ રમાઈ રહી છે
- યોર્કશાયર અને લેન્કેશાયર ક્રિકેટ ક્લબ વચ્ચે મેચ રમાઈ
- આ મેચમાં બેટ્સમેનને હિટ-વિકેટ પર નોટઆઉટ જાહેર કર્યો
આ દિવસોમાં જ્યાં એક તરફ સમગ્ર વિશ્વમાં T20 વર્લ્ડકપ 2024ને લઈને રોમાંચ સાતમાં આસમાને છે, તો બીજી તરફ ઈંગ્લેન્ડમાં વિટાલિટી T20 બ્લાસ્ટ લીગ રમાઈ રહી છે. 20 જૂનના રોજ, આ લીગમાં યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ અને લેન્કેશાયર ક્રિકેટ ક્લબ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં એક વિચિત્ર ઘટના જોવા મળી હતી.
મેચમાં નો-બોલ, હિટ-વિકેટ અને એક જ બોલ પર રન આઉટ જોવા મળ્યા, છતાં અમ્પાયરે બેટ્સમેનને નોટઆઉટ જાહેર કર્યો. મેચ દરમિયાન આ ઘટના જોઈને દર્શકો પણ થોડા સમય માટે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અમ્પાયરે શાન મસૂદને નોટઆઉટ આપ્યો
જ્યારે યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ મેચમાં બેટિંગ કરી રહી હતી ત્યારે પાકિસ્તાની ક્રિકેટર શાન મસૂદ ક્રિઝ પર બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. નો બોલ પર શાન મસૂદનો પગ સ્ટમ્પ સાથે અથડાયો, ત્યારબાદ શાન રન લેવા દોડ્યો અને બીજા છેડે બોલરે તેને રન આઉટ કર્યો હતો.
પરંતુ મસૂદ નિયમ 31.7 હેઠળ અણનમ રહ્યો. વાસ્તવમાં મસૂદે ક્રિઝ છોડી દીધી કારણ કે તેને લાગ્યું કે તે આઉટ થઈ ગયો છે અને રન માટે સંપૂર્ણ રીતે દોડ્યો નથી. જેના કારણે બાદમાં અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો. મેચ દરમિયાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ કેટલાક ફેન્સ શાન મસૂદને લકી ક્રિકેટર પણ કહી રહ્યા છે.
શાન મસૂદની શાનદાર ઈનિંગ
આ મેચમાં યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ તરફથી બેટિંગ કરતા શાન મસૂદે 41 બોલમાં 61 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં શાને 5 ફોર અને 3 શાનદાર સિક્સર પણ ફટકારી હતી. આ મેચ યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે 10 રને જીતી હતી. શાન મસૂદ સિવાય જો રૂટે 33 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી.