• રવિન્દ્ર જાડેજાએ હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
  • અક્ષર પટેલને તેના શ્રેષ્ઠ રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે
  • વોશિંગ્ટન સુંદરના પ્રદર્શનથી અક્ષર પટેલની જગ્યાને ખતરો

ભારતના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક રવિન્દ્ર જાડેજાએ હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, ત્યારબાદ અક્ષર પટેલને તેના શ્રેષ્ઠ રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. અક્ષર પણ જાડેજા જેવો ડાબોડી ઓલરાઉન્ડર છે, જે બેટ અને બોલ બંનેથી મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. આ બંને તાજેતરમાં જ T20 વર્લ્ડકપ પણ રમ્યા હતા પરંતુ હવે ભારતને જાડેજાનું રિપ્લેસમેન્ટ મળ્યું છે, જે અક્ષર માટે પણ ખતરો બની શકે છે.

વોશિંગ્ટન સુંદરનું શાનદાર પ્રદર્શન

આ ખેલાડી બીજું કોઈ નહીં પણ વોશિંગ્ટન સુંદર છે, જેણે છેલ્લી બે T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ઝિમ્બાબ્વે અને શ્રીલંકાના પ્રવાસમાં શાનદાર બોલિંગ અને બેટિંગ પ્રદર્શન કર્યું છે, જેના કારણે તેણે હવે ભારતીય પ્લેઈંગ 11માં નિયમિત સ્થાન માટે મજબૂત દાવો કર્યો છે. શ્રીલંકા સામેની ત્રીજી ટી20માં અક્ષર પટેલને આરામ આપીને સુંદરને રમાડવામાં આવ્યો હતો અને તેણે તકનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સુંદરે ઝિમ્બાબ્વે અને શ્રીલંકા ટી20 સિરીઝમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું

વોશિંગ્ટન સુંદર ઝિમ્બાબ્વે પ્રવાસ પર રમાયેલી 5 મેચની T20 સિરીઝમાં પણ ભારતીય ટીમનો ભાગ હતો અને તેને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. તે સિરીઝમાં તેણે 5 મેચમાં 11.62ની એવરેજથી 8 વિકેટ લીધી હતી અને સિરીઝની પ્રથમ મેચમાં મુશ્કેલ સમયે 27 રન પણ બનાવ્યા હતા.


આ પછી સુંદરની શ્રીલંકા સામેની ટી20 સિરીઝ માટે પણ પસંદગી કરવામાં આવી હતી પરંતુ તેને પ્રથમ બે મેચમાંથી બહાર બેસવું પડ્યું હતું. તેને છેલ્લી મેચમાં પ્લેઇંગ 11માં સ્થાન આપવામાં આવ્યું હતું. તે મેચમાં તેણે 18 બોલમાં 25 રન બનાવ્યા હતા અને બોલિંગ કરતી વખતે તેણે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ પણ લીધી હતી. એટલું જ નહીં, તેણે સુપર ઓવરમાં માત્ર 2 રન આપીને 2 વિકેટ પણ લીધી હતી અને ભારતને 3 મેચની T20 સિરીઝમાં 3-0થી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

2017માં કર્યું ટી20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ

તમને જણાવી દઈએ કે સુંદરે 2017માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું પરંતુ ઘણી વખત ટીમની અંદર અને બહાર જતા રહ્યા હતા. જો કે હવે જાડેજાની નિવૃત્તિ બાદ તેને ટી20 ઈન્ટરનેશનલમાં વધુ તક મળવાની આશા છે. અત્યાર સુધી તેની T20 ઈન્ટરનેશનલ કરિયરમાં આ ખેલાડીએ 49 મેચમાં 44 વિકેટ ઝડપી છે અને 160 રન પણ બનાવ્યા છે. જો તેનું પ્રદર્શન આમ જ ચાલુ રહેશે તો અક્ષર પટેલનું સ્થાન પણ જોખમમાં આવી શકે છે.

  • Follow us on: