• પાકિસ્તાનને હરાવીને WCL 2024માં ભારત ચેમ્પિયન બન્યું
  • WCL 2024ની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું
  • અંબાતી રાયડુ અને યુસુફ પઠાણની શાનદાર ઈનિંગ

ભારતે ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં પાકિસ્તાનને હરાવ્યું છે. રવિવારે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઇનલ મેચમાં, ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સ પર 5 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન ચેમ્પિયન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા ભારતીય ચેમ્પિયન ટીમે 19.1 ઓવરમાં શાનદાર જીત નોંધાવી હતી. આ રીતે ફાઇનલમાં જીત મેળવીને ભારત ફરી એકવાર ચેમ્પિયન બની ગયું છે.

અંબાતી રાયડુએ તોફાની ઇનિંગ રમી હતી

ભારતીય ચેમ્પિયન્સના લક્ષ્યનો પીછો કરવા આવેલા ઓપનર અંબાતી રાયડુએ તોફાની ઇનિંગ રમી હતી. રાયડુએ શાનદાર ફિફ્ટી ફટકારી હતી. તેણે 30 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા અને 166.67ની સ્ટ્રાઈક રેટથી 50 રન બનાવ્યા હતા. જોકે બીજા ઓપનર રોબિન ઉથપ્પા કંઈ ખાસ કરી શક્યા ન હતા. તે માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ત્રીજા નંબરે આવેલો સુરેશ રૈના 4 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે ભારતીય ટીમને 3 ઓવરમાં 38 રનના સ્કોર પર બે મોટા આંચકાઓ લાગ્યા હતા, પરંતુ આ પછી ગુરકીરત સિંહ માને દાવ સંભાળ્યો હતો. ચોથા નંબરે આવેલા ગુરકીરત માને 33 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 34 રન બનાવ્યા હતા. આ પછી 12મી ઓવરમાં અંબાતી રાયડુની વિકેટ પડી હતી.

યુસુફ પઠાણે બોલરોની કરી ધોલાઈ

ત્યારપછી ભારત માટે પડકાર મોટો બની ગયો, પરંતુ યુસુફ પઠાણે શાનદાર બેટિંગ કરી અને પાકિસ્તાની બોલરોને ઘુંટણીએ લાવી દીધા હતા. છઠ્ઠા નંબર પર આવેલા યુસુફ પઠાણે 187.50ના સ્ટ્રાઈક રેટથી 16 બોલમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 30 રન બનાવ્યા હતા, પરંતુ 19મી ઓવરમાં તેની વિકેટ પડી જતાં ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું હતું. આ પછી યુસુફના ભાઈ ઈરફાન પઠાણે છેલ્લી ઓવરમાં 4 બોલમાં 5 રન ફટકારીને ભારતીય ચેમ્પિયનને જીત અપાવી હતી. બીજા છેડેથી કેપ્ટન યુવરાજ સિંહે ઈનિંગ સંભાળી રાખી હતી. તે 22 બોલમાં 15 રન બનાવીને અણનમ રહ્યો હતો.

આ બોલરોએ કર્યો કમાલ

આ મેચમાં ભારતીય બોલરોએ પણ પોતાની તાકાત બતાવી હતી. અનુરીત સિંહે 4 ઓવરમાં 43 રન આપીને 3 વિકેટ લીધી હતી. વિનય કુમારે 4 ઓવરમાં 36 રન આપીને 1 વિકેટ, પવન નેગીએ 4 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ અને ઈરફાન પઠાણે 3 ઓવરમાં 12 રન આપીને 1 વિકેટ લીધી હતી. હરભજન સિંહે એક ઓવરમાં 8 રન આપ્યા હતા. તેને કોઈ વિકેટ મળી ન હતી.

પાકિસ્તાનની સ્થિતિ

જ્યારે પાકિસ્તાન માટે શોએબ મલિકે સૌથી વધુ 41 રનનું યોગદાન આપ્યું હતું. કામરાન અકમલ 24, શરજીલ ખાન 12, શોએબ મકસૂદ 21, કેપ્ટન યુનિસ ખાન 7, આમિર યામીન 7 રન બનાવીને આઉટ થયા હતા. મિસ્બાહ-ઉલ-હક 18 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. શાહિદ આફ્રિદીએ 4 રનની અણનમ ઇનિંગ રમી હતી અને સોહેલ તનવીરે 9 બોલમાં 19 રનની અણનમ ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી આમિર યામિને સૌથી વધુ વિકેટ લીધી હતી. તેને બે વિકેટ મળી હતી. જ્યારે સઈદ અજમલ, વહાબ રિયાઝ અને શોએબ મલિકને એક-એક વિકેટ મળી હતી.

  • Follow us on: