- અમેરિકાની ટીમે T20 વર્લ્ડકપની પ્રથમ મેચમાં કેનેડાની ટીમને 7 વિકેટે હરાવ્યું
- અમેરિકી કેપ્ટન મોનાંક પટેલે કહ્યું- અમે નિડર થઇને ક્રિકેટ રમીએ છીએ
- યુએસ ટીમે પ્રથમ વખત T20 વર્લ્ડકપ માટે ક્વોલિફાય કર્યું
અમેરિકાની ટીમે T20 વર્લ્ડકપ 2024ની પ્રથમ મેચમાં કેનેડાની ટીમને 7 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં અમેરિકા માટે બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં કેનેડાએ અમેરિકાને 195 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે અમેરિકાએ એન્ડ્રીસ ગાઉસ અને એરોન જોન્સની ઇનિંગને કારણે હાંસલ કર્યો હતો. જોન્સે 40 બોલમાં 94 રન બનાવ્યા અને ટીમે મેચ જીતી લીધી. તે ટીમ માટે સૌથી મોટો હીરો સાબિત થયો છે. હવે અમેરિકાના કેપ્ટન મોનાંક પટેલે મોટી વાત કહી છે.
મોનાંક પટેલે આપ્યું મોટું નિવેદન
કેનેડા સામેની મેચ જીત્યા બાદ અમેરિકી કેપ્ટન મોનાંક પટેલે કહ્યું કે અમે હંમેશા જાણતા હતા કે એરોન જોન્સમાં ક્ષમતા છે. મોટી સંખ્યામાં ચાહકોને જોઈને ખરેખર આનંદ થયો, આશા છે કે તેઓ અમને સમર્થન આપતા રહેશે. જે રીતે અમે નિડર થઇને ક્રિકેટ રમીએ છીએ. તે ચાલુ રાખવા માંગીયે છીએ. અમે ભલે પાકિસ્તાન સામે રમીએ કે ભારત સામે, અમે કંઈપણ બદલવા માંગતા નથી.
USએ T20 વર્લ્ડકપમાં પ્રથમ મેચ જીતી
યુએસ ટીમે પ્રથમ વખત T20 વર્લ્ડકપ માટે ક્વોલિફાય કર્યું હતું અને તેની પહેલી જ મેચમાં કેનેડા સામે 7 વિકેટે જીત મેળવી હતી. યુએસ ટીમે 195 રનના લક્ષ્યનો પીછો કર્યો, જે T20 વર્લ્ડકપના ઈતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા ત્રીજો સૌથી મોટો લક્ષ્યાંક છે.
6 જૂને પાકિસ્તાન સામે મેચ રમશે
યુએસ ટીમ ટી20 વર્લ્ડકપ 2024 માટે ગ્રુપ-એમાં છે. આ ગ્રુપમાં ભારત, પાકિસ્તાન, કેનેડા, અમેરિકા અને આયર્લેન્ડની ટીમો છે. હવે T20 વર્લ્ડકપ 2024માં અમેરિકાની ટીમ 6 જૂને પાકિસ્તાન સામે મેચ રમશે. 12મી જૂને ભારત સામે અને 14મી જૂને આયર્લેન્ડ સામે રમશે.
બાંગ્લાદેશ સામેની શ્રેણી જીતી
અમેરિકન ટીમ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમના બોલર અને બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે. T20 વર્લ્ડકપ 2024 પહેલા અમેરિકાએ બાંગ્લાદેશ સામે ત્રણ મેચની T20 સિરીઝ રમી હતી, જેમાં તેણે 2-1થી જીત મેળવી હતી. કોઈપણ પૂર્ણ-સમય સભ્ય સામે ઘરની ધરતી પર અમેરિકાની આ પ્રથમ શ્રેણી જીત હતી.