- નેધરલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર છે રયાન ટેન ડોઇશ
- રયાન ટેન ડોઇશે કોલકાતા નાઇટ રાઇડર્સ માટે સાથે કર્યું કામ
- સહાયક કોચ તરીકે પણ જોડાઈ શકે છે રયાન ટેન ડોઇશ
રાહુલ દ્રવિડની જગ્યાએ ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો નવો મુખ્ય કોચ બન્યો છે. ગૌતમ ગંભીરે હવે તેના સપોર્ટિંગ સ્ટાફની પસંદગી કરવી પડશે. આ લિસ્ટમાં ઘણા મોટા નામો સામે આવી રહ્યા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ગૌતમ ગંભીર નેધરલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર રયાન ટેન ડોઇશને પોતાના સ્ટાફમાં સામેલ કરવા માંગે છે.
નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝી સાથે સંકળાયેલો છે રયાન ડોઇશ
રયાન ટેન ડોઇશ અને ગૌતમ ગંભીરે IPL 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સ માટે સાથે કામ કર્યું છે. તે ટીમનો ફિલ્ડિંગ કોચ હતો. તેણે કેરેબિયન પ્રીમિયર લીગ, મેજર લીગ ક્રિકેટ અને ILT20માં પણ KKR સાથે કામ કર્યું છે. તેના અનુભવની કોઈ કમી નથી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, BCI ટી દિલીપને ફિલ્ડિંગ કોચ તરીકે જાળવી રાખવા માંગે છે. આવી સ્થિતિમાં, અટકળો લગાવવામાં આવી રહી છે કે તે સહાયક કોચ તરીકે પણ જોડાઈ શકે છે.
નામે છે આ અદ્ભુત રેકોર્ડ
તમને જાણીને નવાઈ લાગશે કે રયાન ટેન ડોઇશ ODI ક્રિકેટમાં સૌથી વધુ એવરેજ ધરાવતો બેટ્સમેન છે. વનડે ક્રિકેટમાં તેની એવરેજ 67.00 રહી છે. તેણે 33 ODI મેચોની 32 ઇનિંગ્સમાં 1,541 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન સર્વશ્રેષ્ઠ સ્કોર 119 રન રહ્યો છે. તેણે 5 સદી અને 9 અડધી સદી પણ ફટકારી છે. આ સિવાય તેણે વનડેમાં 55 વિકેટ લીધી હતી. તેણે 2011 વર્લ્ડ કપમાં બે સદી ફટકારીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
તેની કારકિર્દીમાં તેણે 24 ટી20 મેચોમાં 41.0ની એવરેજથી 533 રન બનાવ્યા છે. તેણે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 13 વિકેટ લીધી છે. 2011 થી 2015 સુધી, રયાન ટેન IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે સંકળાયેલો હતો. તે 2012 અને 2014માં KKRની ચેમ્પિયન ટીમનો પણ ભાગ હતો.