- ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ છે
- પ્રથમ મેચ કોલંબોમાં આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે
- ભારતીય ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ ગઈ છે. પ્રથમ મેચ કોલંબોમાં રમાઈ રહી છે. દરમિયાન, શ્રીલંકાના નવા કેપ્ટન ચારિથ અસલંકાએ આજે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરી રહી છે. આ દરમિયાન ભારતીય ખેલાડીઓ જ્યારે હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાનમાં પ્રવેશ્યા ત્યારે ભારતીય ચાહકો ચોંકી ગયા હતા. આખરે એવું શું છે કે જેના કારણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને આવ્યા છે.
ભારતીય ટીમે શોક વ્યક્ત કર્યો
કોલંબોમાં રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ મેચમાં શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. આજે જ્યારે ભારતના તમામ 11 ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા ત્યારે તેમના હાથ પર કાળી પટ્ટી બાંધી હતી. હકીકતમાં, તાજેતરમાં જ ભારતના મહાન ક્રિકેટ ખેલાડીઓમાંના એક અને ભૂતપૂર્વ કોચ અંશુમાન ગાયકવાડનું નિધન થયું હતું. એટલા માટે ભારતીય ટીમે શોક વ્યક્ત કરવા માટે આ નિર્ણય લીધો છે.
પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. તેમને બ્લડ કેન્સર હતું, જેના માટે તેઓ લંડનમાં સારવાર લઈ રહ્યા હતા. BCCIએ ગાયકવાડના પરિવારને તેની સારવાર માટે 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે, તમામ પ્રયાસો છતાં ગાયકવાડને બચાવી શકાયા નહતા.
અંશુમન ગાયકવાડની કારકિર્દી
અંશુમન ગાયકવાડ ભારતીય ક્રિકેટ ટીમના કોચ પણ રહી ચૂક્યા છે. તેણે વર્ષ 1974માં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 1974 થી 1984 ની વચ્ચે કુલ 40 ટેસ્ટ મેચ રમી, જેમાં તેણે 29.63ની એવરેજથી 1985 રન બનાવ્યા, જે દરમિયાન ગાયકવાડે 2 સદી અને 10 ફિફ્ટી પણ ફટકારી હતી. 15 ODI મેચોમાં તેણે કુલ 269 રન બનાવ્યા, જેમાં એક ફિફ્ટીનો સમાવેશ થાય છે.
શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવન
પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ(wk), સદીરા સમરવિક્રમા, ચારિથ અસલંકા(c), જેનિથ લિયાનાગે, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલાલેજ, અકિલા ધનંજય, અસિથા ફર્નાન્ડો, મોહમ્મદ શિરાઝ
ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (c), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (wk), વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.