- આકાશ ચોપડાની ભવિષ્યવાણી
- કુલદીપ યાદવ બની શકે ગેમ ચેન્જર
- T-20 વર્લ્ડકપમાં કુલદીપ પાસે હશે મહત્વની ભૂમિકા
કુલદીપ યાદવ અત્યારે ભારત માટે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ T-20 સીરિઝ રમે છે. આ પહેલાં વનડે સીરિઝમાં પણ કુલદીપ યાદવ ભારતીય ટીમનો ભાગ હતો. વ્હાઈટ બોલ સીરિઝમાં અત્યાર સુધી કુલદીપે શાનદાર પ્રદર્શન કર્યું છે. કુલદીપના આ પ્રદર્શનને જોઈ પૂર્વ ભારતીય ખેલાડી આકાશ ચોપડાએ જણાવ્યું કે, કુલદીપ 2024માં થનારા T-20 વર્લ્ડકપમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
2024માં રમાશે T-20 વર્લ્ડકપ
T-20 વર્લ્ડકપ 2024 વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકાની મેજબાનીમાં રમવામાં આવશે, ત્યારે વેસ્ટ ઈન્ડીઝમાં કુલદીપના પ્રદર્શનથી આકાશ ચોપડા ખુશ થયા છે. વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ બીજી T-20માં ઈજાના કારણે બહાર થયેલો કુલદીપ ત્રીજી T-20માં ફરી ટીમમાં આવ્યો હતો. આ સાથે જ કુલદીપે 3 વિકેટ પણ પોતાના નામે કરી હતી.
વેસ્ટ ઈન્ડીઝમાં T-20 વર્લ્ડકપ રમાશે
આકાશ ચોપડાએ કહ્યું કે, કુલદીપ પરત ફર્યો છે અને અલગ બોલિંગ કરી રહ્યો છે. હું થોડું આગળનું વિચારવાનો પ્રયાસ કરી રહ્યો છું. આપણે વેસ્ટ ઈન્ડીઝમાં જ T-20 વર્લ્ડકપ રમશું. જેથી આપણે કુલદીપ જેવા બોલરની જરૂર પડશે. જે ટીમ માટે વિકેટ લઈ શકે.
કુલદીપ મિડલ ઓવરમાં લઈ શકે વિકેટ
પૂર્વ ખેલાડીએ આગળ કહ્યું કે, જે પ્રકારે T-20 રમવામાં આવે છે, તેમાં એ જરૂરી હોય છે કે, તમે સળંગ વિકેટ લઈ શકો. જો તમારી પાસે વિકેટ લેનારો બોલર છે, ખાસ કરીને મિડલ ઓવરમાં, તો તે સોનાની ધૂળ બરાબર હશે. કુલદીપ એમ પણ વનડેમાં સારૂં પ્રદર્શન કરી રહ્યો છે. જેથી આગામી વનડે વર્લ્ડકપમાં પણ કુલદીપની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
કુલદીપે લીધી 3 વિકેટ
ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ત્રીજી T-20 ઈન્ટરનેશનલમાં કુલદીપ યાદવે 3 વિકેટ લીધી હતી. જેમાં કુલદીપે વેસ્ટ ઈન્ડીઝના આક્રામક ખેલાડી નિકોલસ પૂરનને પણ આઉટ કર્યો હતો. આ મેચમાં ભારતીય ટીમની જીત થઈ હતી. આમ છતાં વેસ્ટ ઈન્ડીઝ હજુ સીરિઝમાં 2-1થી આગળ છે. હવે આ સીરિઝની ચોથી મેચ શનિવારે અને 5મી મેચ રવિવારે રમવામાં આવશે.