- મહિલા એશિયા કપ 2024માં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો
- શ્રેયંકા પાટીલ સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે
- સ્પિન બોલર તનુજા કંવરને ટીમ ઈન્ડિયામાં મળી એન્ટ્રી
મહિલા એશિયા કપ 2024માં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર શ્રેયંકા પાટીલ સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. શ્રેયંકા પાટીલે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે શાનદાર બોલિંગ કરી હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. હવે આ સ્ટાર ખેલાડીની જગ્યાએ 26 વર્ષની સ્પિન બોલર તનુજા કંવરને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવી છે.
આ કારણસર ટુર્નામેન્ટમાંથી બહાર
ભારતીય ટીમની સ્ટાર ઓફ સ્પિનર શ્રેયંકા પાટિલની આંગળીમાં ફ્રેક્ચર થયું છે. જેના કારણે તેને આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં કેચ લેતી વખતે શ્રેયંકા પાટીલને આ ઈજા થઈ હતી. કેચ લેતી વખતે શ્રેયંકાના ડાબા હાથની નાની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. જોકે, આ ઈજા છતાં શ્રેયંકાએ બોલિંગ ચાલુ રાખી હતી.
શ્રેયંકા પાટીલનું પ્રદર્શન
શ્રેયંકા પાટીલે ઈજાગ્રસ્ત હોવા છતાં આ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે 3.2 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ લીધી હતી. શ્રેયંકાએ પાકિસ્તાની બેટ્સમેન આલિયા રિયાઝ અને સાદિયા ઈકબાલની વિકેટ લીધી હતી. શ્રેયંકાના આ પ્રદર્શનના આધારે ભારતીય ટીમે પાકિસ્તાનને 108 રનના સ્કોર પર ઓલ આઉટ કરી દીધું હતું, જે ટીમ ઈન્ડિયાએ સરળતાથી ચેઝ કર્યા હતા.
તનુજા કંવરને મળી ટીમમાં એન્ટ્રી
લેફ્ટ આર્મ સ્પિન બોલર તનુજા કંવરને હવે શ્રેયંકા પાટિલની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવી છે, જે મહિલા એશિયા કપ 2024ની સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. તનુજાએ વિમેન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સ ટીમની બીજી સિઝનમાં તેની ટીમ માટે સૌથી વધુ 10 વિકેટ લીધી હતી. આ ઉપરાંત, તે ભારત A મહિલા ટીમના ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસનો પણ એક ભાગ છે.