• ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું પાકિસ્તાનમાં આયોજન થશે
  • ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે નહીં
  • પાકિસ્તાન નહીં આવે તો ભારત વગર રમશું ચેમ્પિયન્સ ટ્રોફી

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું પાકિસ્તાનમાં આયોજન થવા જઇ રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં તે અંગે હજુ સુધી ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને તેમના ખેલાડીઓ ઈચ્છે છે કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરે પરંતુ ટીમ ઈન્ડિયા સુરક્ષાના કારણોસર ત્યાં જવામાં ખચકાટ અનુભવે છે.

આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાની ખેલાડીઓ ભારતીય ટીમના પ્રવાસ પર સતત પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. આ ક્રમમાં પાકિસ્તાનના એક ખેલાડીએ ભારત વિના ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની વાત કરી છે.

શું છે ટીમ ઈન્ડિયાનો ઈરાદો?

પાકિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ પોતાની મેચો ત્યાં રમવાને બદલે હાઇબ્રિડ મોડલ હેઠળ શ્રીલંકા અથવા દુબઈમાં રમવા માંગે છે. આ માટે BCCI તરફથી ICCને વિનંતી પણ કરવામાં આવશે, જેના પર ICC નિર્ણય લેશે. ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરે તેવી શક્યતા ઓછી છે. હાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે તે ભારતની તમામ મેચોનું આયોજન લાહોરમાં કરશે, જેથી સુરક્ષા વ્યવસ્થામાં કોઇ કમી ના આવે.

પાકિસ્તાની ક્રિકેટરે શું આપ્યું નિવેદન?

પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ એક ટીવી ચેનલ પર વાતચીત દરમિયાન મોટું નિવેદન આપ્યું છે. હસન અલીએ કહ્યું કે જો ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થશે તો તે અહીં જ થશે. ટૂર્નામેન્ટનું આયોજન ભારત વિના પણ થઈ શકે છે. જો આપણે ભારતમાં રમવા જઈ રહ્યા છીએ તો તેમણે પણ પાકિસ્તાનમાં રમવા આવવું જોઈએ. ઘણા લોકો કહે છે કે રાજકારણને રમતગમતથી દૂર રાખવું જોઈએ. ઘણા ભારતીય ખેલાડીઓએ તેમના ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તેઓ પાકિસ્તાનમાં રમવા માંગે છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં આવીને રમવા માંગે છે.

..તો આ ટુર્નામેન્ટ ભારત વિના યોજાશે

હસન અલીએ કહ્યું કે ભારત પણ આ વખતે પાકિસ્તાનને ટૂર્નામેન્ટની યજમાની કરતા રોકી શકશે નહીં. પીસીબી અધ્યક્ષ પહેલા જ પોતાનું વલણ સ્પષ્ટ કરી ચુક્યા છે. જો ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાન કરશે તો તે અહીં રમાશે. જો ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો અમે તેના વિના ટૂર્નામેન્ટ પૂર્ણ કરીશું. જો ભારત અહીં રમવા નથી ઈચ્છતું તો તે તેની પસંદગી છે.

ICC શું નિર્ણય લઈ શકે?

જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા પાકિસ્તાન નહીં જાય તો ICC ભારતની તમામ મેચ દુબઈ અથવા શ્રીલંકામાં યોજી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે.

  • Follow us on: