• મહિલા એશિયા કપ 2024માં ટીમ ઈન્ડિયા રેકોર્ડ 9મી વખત ફાઈનલમાં પહોંચી હતી
  • ટીમ ઈન્ડિયાને ફાઈનલ મેચમાં શ્રીલંકાએ 8 વિકેટે પરાજય થયો હતો
  • આ મેચ બાદ ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરનું દર્દ છલકાયું

મહિલા એશિયા કપની 9મી સિઝનની ટાઈટલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાએ ભારતને 8 વિકેટે હરાવીને પહેલી વખત ટાઈટલ જીત્યું હતું. શ્રીલંકાએ અજેય રહીને આ ખિતાબ જીત્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયાનું રેકોર્ડ આઠમી વખત ચેમ્પિયન બનવાનું સપનું આ હાર સાથે ચકનાચૂર થઈ ગયું. ભારતે આ ટુર્નામેન્ટમાં 7 વખત ટાઈટલ જીત્યું છે અને તમામ 9 એડિશનમાં ફાઈનલમાં પહોંચ્યું છે. ફાઈનલ મેચમાં હાર બાદ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે દર્દ વ્યક્ત કર્યું.

મેચનું પરિણામ કેવું રહ્યું?

ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે સારી શરૂઆત કરી અને સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાની અડધી સદીની ઈનિંગ્સને કારણે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 165 રનનો મોટો સ્કોર બનાવ્યો. યજમાન ટીમ શ્રીલંકાએ આ લક્ષ્યાંક 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

શ્રીલંકા તરફથી કેપ્ટન ચમારી અટાપટ્ટીએ 43 બોલમાં 61 રન અને હર્ષિતા સમરવિક્રમાએ 51 બોલમાં 69 રન બનાવ્યા હતા. કવિશા દિલહારીએ પણ 16 બોલમાં 30 રન બનાવીને ટીમને જીત અપાવવામાં મહત્વનો રોલ પ્લે કર્યો હતો. ભારત તરફથી એકમાત્ર વિકેટ દીપ્તિ શર્માએ લીધી હતી, ઓપનિંગ બેટ્સમેન વિશ્મી ગુણારત્ને રનઆઉટ થઈ હતી.

 

હાર બાદ કેપ્ટનની પીડા છલકાઈ ગઈ

ફાઈનલ મેચમાં મળેલી હાર બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનું દર્દ જોવા મળ્યું. તેને આ હાર માટે બોલરોને જવાબદાર ઠેરવ્યા છે. હરમને કહ્યું, 'અમે આખી ટૂર્નામેન્ટમાં સારું ક્રિકેટ રમ્યા. પરંતુ, તેમાં કોઈ શંકા નથી કે ફાઈનલ મેચમાં અમે ઘણી ભૂલો કરી હતી, જેના કારણે અમારે પરિણામ ભોગવવું પડ્યું હતું. તે સારો સ્કોર હતો. અમે પાવરપ્લેમાં વિકેટો શોધી રહ્યા હતા પરંતુ તે પ્લાન મુજબ ચાલ્યું ન હતું. શ્રીલંકાએ ખરેખર સારી બેટિંગ કરી.

વર્લ્ડકપ માટે સખત મહેનત કરશે ટીમ

ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે આગામી ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને અમે અહીંથી ઘણા ક્ષેત્રોમાં સુધારો કરવાનો પ્રયાસ કરીશું. અમે ચોક્કસપણે સખત મહેનત કરીશું અને આ દિવસને યાદ કરીશું. શ્રીલંકાએ છેલ્લા કેટલાક સમયથી અને ટુર્નામેન્ટમાં સારું ક્રિકેટ રમી છે. હરમનપ્રીત કૌરે શ્રીલંકાની ટીમને અભિનંદન પાઠવ્યા છે. 

  • Follow us on: