શ્રીલંકાની ટીમે મહિલા એશિયા કપની ફાઈનલ મેચ જીતી લીધી છે
આ સાથે ટીમે ફાઈનલમાં જીત મેળવીને રેકોર્ડ બુકમાં પ્રવેશ કર્યો છે
શ્રીલંકાની ટીમે ઘણાં બધા રેકોર્ડ બનાવ્યા છે
એશિયા કપમાં શ્રીલંકાની ટીમે ઐતિહાસિક જીત નોંધાવી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારે દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શ્રીલંકાની ટીમે 8 વિકેટે જીત મેળવી હતી. આ સાથે તેને મહિલા એશિયા કપની ટ્રોફી જીતી હતી. શ્રીલંકાએ એશિયા કપ ફાઈનલમાં શાનદાર જીત સાથે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા.
સૌથી વધુ રન ચેઝ
આ મેચમાં શ્રીલંકાએ 166 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. મહિલા ટી20 ઈન્ટરનેશનલ ફાઈનલમાં કોઈપણ ટીમ દ્વારા હાંસલ કરાયેલો આ સૌથી વધુ રન છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમે 2016માં રમાયેલી મહિલા ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 149 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. આ રન ચેઝ શ્રીલંકાની ટી-20માં અત્યાર સુધીની સૌથી મોટી રન ચેઝ છે. આ પહેલા ટીમે દક્ષિણ આફ્રિકા સામે 156 રનનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો.
ચમારી અટાપટ્ટુનો રેકોર્ડ
એશિયા કપમાં શ્રીલંકાના કેપ્ટન ચમારી અટાપટ્ટુએ 304 રન બનાવ્યા હતા. ટી20 સિરીઝ અથવા કોઈપણ એક ટૂર્નામેન્ટમાં કોઈપણ મહિલા ખેલાડી દ્વારા બનાવવામાં આવેલ આ બીજા સૌથી વધુ રન છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની સિરીઝ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝની હેલી મેથ્યુઝે 310 રન બનાવીને રેકોર્ડ બનાવ્યો હતો.
રાધા યાદવના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ
આ મેચમાં ભારતીય બોલર રાધા યાદવે કોઈ વિકેટ લીધા વિના 4 ઓવરમાં 47 રન આપ્યા હતા. મહિલા ટી20 એશિયા કપની મેચમાં આ સૌથી વધુ રન છે. આ મેચમાં શ્રીલંકા-ભારતની ટીમોએ કુલ 332 રન બનાવ્યા હતા. મહિલા ટી20 એશિયા કપની મેચમાં આ સર્વોચ્ચ સ્કોર છે.
આવી રહી મેચ
આ મેચમાં પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ શાનદાર ઈનિંગ રમી અને 60 રન બનાવ્યા. જ્યારે જેમિમાહ રોડ્રિગ્સે 29 રન અને રિચા ઘોષે 30 રન બનાવ્યા હતા. પરંતુ ભારતીય બોલિંગ નબળી રહી હતી. ફિલ્ડિંગમાં પણ ટીમ નિરાશ થઈ. દીપ્તિ શર્મા સિવાય કોઈ બોલર વિકેટ લઈ શકી ન હતી. આખરે શ્રીલંકાએ 8 બોલ બાકી રહેતા 8 વિકેટે મેચ જીતી લીધી હતી. શ્રીલંકાની આ જીતમાં કેપ્ટન ચમારી અટાપટ્ટુએ 43 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા. જ્યારે હર્ષિતા સમરવિક્રમાએ 51 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 69 રન બનાવ્યા હતા. કવિશા દિલહારીએ 16 બોલમાં 1 ફોર અને 2 સિક્સર ફટકારીને અણનમ 30 રન બનાવ્યા હતા.













