- પાંચ બોલરો સામે પાક. બેટ્સમેન ન ટકી શક્યા
- આઝમ સિવાય કોઈ સારૂ રમ્યું જ નહીં
- પોઈન્ટ ટેબલમાં ભારત ફરી એક નંબર પર યથાવત
અમદાવાદ શહેરમાં રમાયેલી વર્લ્ડકપની મેચમાં ભારતનો સાત વિકેટે વિજય થયો હતો. આમ અમદાવાદમાંથી ભારતીય ક્રિકેટ ટીમે આગેકુચ કરી હતી. હાઈવોલ્ટેજ મેચમાં 42.5 ઓવરમાં 191 રને પાકિસ્તાન ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. આ ટાર્ગેટનો જવાબ દેવા માટે ઊતરેલી ભારતીય ક્રિકેટ ટીમે 30.3 ઓવરમાં 192 રન કર્યા હતા. રોહિત શર્મા અને શ્રેયસે જોરદાર હાફસેન્ચુરી મારી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજાએ દમદાર વિકેટ ખેરવીને પાકિસ્તાનને કોઈ મોટો સ્કોર કરવા દીધો નહીં.
8 વન ડે રમવાનો રેકોર્ડ
ગુજરાતના મહાનગર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચ વચ્ચે કોહલીએ પણ ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે. અમદાવાદમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 8 વન-ડે મેચ રમવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. રોહિત શર્માએ 63 બોલમાં 86 રન કર્યા હતા. જ્યારે ઐય્યરે 62 બોલમાં 53 રન કર્યા હતા. જ્યારે ગીલે 11 બોલમાં 16 રન કર્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ ટીમે સારી એવી શરૂઆત કરી હતી. પણ 150 રન બાદ મેચમાં ઓછા સમયમાં મોટી વિકેટ પડી ગઈ હતી. ખાસ કરીને હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાએ મહત્ત્વની વિકેટ ખેરવી હતી. જસપ્રીત બુમરાહે વિકેટ ખેરવ્યા બાદ આખી ટીમ ખુશખુશાલ થઈ ગઈ હતી. રોહિત શર્મા અને શ્રેયસ ઐય્યરે 21 ઓવરમાં 8 સિક્સ ફટકારી હતી. આજની મેચમાં બુમરાહે એક મેડન પણ નાખી છે.
શર્માની શાનદાર ઈનિંગ
ટાર્ગેટ ચેઝ કરવા માટે ઊતરેલી ટીમ ઈન્ડિયાએ ધીમી શરૂઆત કરી હતી. શુભમન ગીલે મોટા શોટ રમ્યા હતા પણ તે લાંબા સમય સુધી ટકી શક્યો ન હતો. પછી રોહિત શર્માએ શાનદાર ઈનિંગ રમી હતી. પણ કે.એલ. રાહુલે અંતિમ બોલમાં ફોર મારીને મેચ જીતાડી દીધી હતી. બેટિંગ લાઈનની વાત કરવામાં આવે તો માત્ર બાબર આઝમ 50 રન કરી શક્યો હતો. જ્યારે રિઝવાન 49 રને આઉટ થઈ જતા હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો. બાકીના તમામ ખેલાડીઓને પ્રદર્શન ખાસ કહી શકાય એવું રહ્યું નથી. પાકિસ્તાન તરફથી શાહિન આફ્રિદીએ 2 વિકેટ, હસન અલીએ 1 વિકેટ ખેરવી હતી.
પાકિસ્તાન સામેની મેચના ઝલક
તારીખ 04.03.1992, સીડનીમાં રમાયેલી મેચમાં ભારતનો 43 રનથી વિજય, તારીખ 09.03.1996, બેંગાલુરુમાં રમાયેલી મેચમાં ભારત 39 રનથી જીત્યું, તારીખ 08.06.1999, માંચેસ્ટરમાં રમાયેલી મેચમાં ભારતની 47 રનથી જીત, તારીખ 01.03.2003, સેન્ચુરિયનમાં રમાયેલી ભારતનો 6 વિકેટથી વિજય, તારીખ 30.03.2011, મોહાલીમાં રમાયેલી મેચમાં ભારત 29 રનથી જીત્યું, તારીખ 15.02.2015, એડીલેડમાં રમાયેલી મેચમાં ભારતની 76 રનથી જીત, તારીખ 16.06.2019, માંચેસ્ટર સામેની જીતમાં ભારતનો 89 રનથી વિજય, તારીખ 14-10-2023, અમદાવાદમાં રમાયેલી મેચમાં ભારતનો 7 વિકેટે વિજય