• દિલ્હી કેપિટલ્સ 113 રનમાં ઓલ આઉટ થયું
  • રોમાંચક મેચમાં RCBની 8 વિકેટે જીત થઇ
  • WPLની બીજી સિઝનમાં RCBએ ટાઈટલ જીત્યું

વિમેન્સ પ્રીમિયર લીગ 2024માં, સ્મૃતિ મંધાનાની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મેગ લેનિંગની દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું છે. IPLના ઈતિહાસમાં RCBએ એક પણ વખત ટાઈટલ જીત્યું નથી પરંતુ WPLની બીજી સિઝનમાં RCBએ ટાઈટલ જીત્યું હતું. RCBની જીત બાદ ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી. RCBના ચાહકોએ બેંગલુરુના રસ્તા પર જોરદાર ઉજવણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બેંગલુરુના રસ્તાઓ જામ

RCBના ચાહકો માટે આ જીતનો અર્થ ઘણો છે. IPL અને WPL સહિત 17 વર્ષ બાદ RCBએ ટ્રોફી જીતી હતી. ચાહકોએ ખૂબ જ ભવ્ય રીતે આ જીતની ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બેંગલુરુનો હોવાનું કહેવાય છે જેમાં RCBના હજારો ચાહકો તેમની ટીમના ચેમ્પિયન બનવાની ઉજવણી કરી રહ્યા છે.

RCBએ દિલ્હીનું સપનું તોડ્યૂ

મહિલા પ્રીમિયર લીગના ઈતિહાસમાં પ્રથમ વખત RCBએ દિલ્હી કેપિટલ્સને હરાવ્યું છે તે પણ મોટી મેચમાં. આ પહેલા આ બંને ટીમો ચાર વખત સામસામે આવી ચુકી છે અને દિલ્હી કેપિટલ્સ ચારેય વખત RCBને હરાવી ચૂકી છે. RCB માટે છેલ્લી સિઝન ઘણી ખરાબ રહી હતી અને ટીમ પ્લેઓફમાં પણ જગ્યા બનાવી શકી ન હતી. જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમ ગત સિઝનમાં પણ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ જીતી શકી ન હતી.

ગત સિઝનની ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને મુંબઈ ઈન્ડિયન્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે આ વખતે RCBએ દિલ્હી કેપિટલ્સનું ટાઈટલ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સની બેટિંગ ખૂબ જ નબળી રહી હતી અને આખી ટીમ માત્ર 113 રન જ બનાવી શકી હતી. મેચમાં એક સમયે દિલ્હીની બેટિંગ ખૂબ જ સારી ચાલી રહી હતી અને ટીમે 64 રન સુધી એક પણ વિકેટ ગુમાવી ન હતી. આ પછી RCBના બોલરોએ ધમાકેદાર વાપસી કરી અને દિલ્હીની આખી ટીમ 18.3 ઓવરમાં જ ધ્વસ્ત થઈ ગઈ હતી.

  • Follow us on: