- ટીમ ઈન્ડિયા આ દિવસોમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે
- ભારત-ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સિરીઝ
- ઝિમ્બાબ્વેએ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી
ટીમ ઈન્ડિયા આ દિવસોમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. શુભમન ગિલની કેપ્ટન્સીમાં ટીમને પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પ્રવાસ પર ઘણા યુવા ખેલાડીઓને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે, કારણ કે વર્લ્ડકપ બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જેવા સિનિયર ખેલાડીઓ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. પ્રથમ મેચમાં હાર બાદ ટીમના એક ખેલાડીએ રોહિત શર્મા અને વિરાટ કોહલીને યાદ કરીને મોટું નિવેદન આપ્યું છે.
રવિ બિશ્નોઈએ રોહિત-વિરાટને યાદ કર્યા
ઝિમ્બાબ્વે સાથે રમાઈ રહેલી T20 સિરીઝમાં અભિષેક શર્મા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ અને રવિ બિશ્નોઈ જેવા યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. પ્રથમ મેચમાં, જ્યારે બેટ્સમેનોએ તેમના ખરાબ પ્રદર્શનથી ચાહકોને નિરાશ કર્યા હતા, ત્યારે રવિ બિશ્નોઈએ શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં બિશ્નોઈએ 4 ઓવરમાં માત્ર 13 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
આ મેચ બાદ રવિ બિશ્નોઈએ કહ્યું કે સિનિયર ખેલાડીઓ હવે નિવૃત્ત થઈ ગયા છે તેથી નવા ખેલાડીઓનો સમય આવી ગયો છે. હવે ટીમને આગળ લઈ જવાની જવાબદારી અમારી છે. આ સિવાય, શુભમન ગિલની કેપ્ટનશિપ વિશે બોલતા, બિશ્નોઈએ કહ્યું કે શુભમન ગિલ એક શાનદાર કેપ્ટન છે, તેણે બોલિંગમાં જે રીતે સચોટ ફેરફારો કર્યા છે તે સારી કેપ્ટનશિપની નિશાની છે.
ટીમ 1-0થી હારી ગઈ હતી
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સિરીઝની પ્રથમ મેચ હરારેમાં રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 115 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઝિમ્બાબ્વેએ 13 રને મેચ જીતી લીધી હતી. આ સાથે ઝિમ્બાબ્વેએ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે સિરીઝની બીજી મેચ 7 જુલાઈ એટલે કે આજે રવિવારે રમાશે.