દરેક મોબાઇલ ફોન યુઝરની પ્રાઈવેસી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT દિલ્હી) ના સંશોધકો દ્વારા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે એન્ડ્રોઇડ એપ્સ યુઝર્સને ચોક્કસ લોકેશન પરમિશન માગે છે તે સુરક્ષા સાથે ચેડા કરી રહી છે. જે એપ્સ યુઝર લોકેશન પરમિશન માગે છે તે યુઝરની જાણકારી કે સંમતિ વિના પર્સનલ માહિતને ઍક્સેસ કરી શકે છે.
Android GPS સેન્સર અભ્યાસ
IIT દિલ્હીનો અભ્યાસ, જેનું શીર્ષક છે: AndroCon: An Android Phone-based Sensor for Ambient, Human Activity and Layout Sensing using Fine-Grained GPS Information ઓન સેન્સર નેટવર્ક્સમાં પ્રકાશિત થયો છે. આ રિસર્ચ સેન્ટર ફોર સાયબર સિસ્ટમ્સ એન્ડ ઇન્ફર્મેશન એશ્યોરન્સમાં એમ.ટેક.ના વિદ્યાર્થી સોહમ નાગ અને કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર ડૉ. સ્મૃતિ આર. સારંગી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
રિસર્ચમાં થયો મોટો ખુલાસો
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આ છુપાયેલા GPS સિગ્નલો ફક્ત તમારા સ્થાનને જ નહીં પરંતુ તમારી દરેક પ્રવૃત્તિ, તમારી આસપાસનું વાતાવરણ અને તમારા રૂમને પણ ઘણું બધું જાહેર કરી શકે છે, IIT દિલ્હીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
તમે જે કરી રહ્યા છો તે બધું જાણે છે તમારો ફોન
સંશોધકોએ એન્ડ્રોકોન નામની એક સિસ્ટમ વિકસાવી છે જે દર્શાવે છે કે એન્ડ્રોઇડ એપ્સ દ્વારા પ્રાપ્ત થતો GPS ડેટા ખાનગી રીતે કેવી રીતે કાર્ય કરે છે. જો કોઈ એપ ચોક્કસ સ્થાન પરવાનગી માગે છે, તો તેનો અર્થ એ છે કે તે માઇક્રોફોન કે કેમેરાનો ઉપયોગ કર્યા વિના, યુઝર્સ સૂઈ રહ્યો છે, બેઠો છે, ઊભો છે, મેટ્રો કે ફ્લાઇટમાં છે, પાર્કમાં છે કે ભીડવાળી જગ્યાએ છે તે ફક્ત GPS ડેટા દ્વારા નક્કી કરી શકે છે. વધુમાં, તે એ પણ નક્કી કરી શકે છે કે રૂમ ખાલી છે કે લોકો ભરેલા છે.
40,000 ચોરસ કિલોમીટર GPS અભ્યાસ સફળ
પ્રોફેસર સારંગીએ કહ્યું કે બહુવિધ ફોનનો ઉપયોગ કરીને એક વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં 40,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ફેલાયેલો હતો. એન્ડ્રોકોન સિસ્ટમે આસપાસના વાતાવરણને શોધવામાં 99 ટકા ચોકસાઈ અને માનવ ગતિવિધિઓને ઓળખવામાં 87 ટકાથી વધુ ચોકસાઈ પ્રાપ્ત કરી. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ફોન ફોનની નજીક હાથ મિલાવવા જેવી ગતિવિધિઓને પણ તે જાણી શકે છે.