ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા વધુ એક ડરામણી અને તાત્કાલિક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ 'વેધર બુલેટિન' જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે, આગામી 3 કલાક ગુજરાત માટે અત્યંત ભારે સાબિત થઈ શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને મેઘરાજા ગમે ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.


11 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, 11 વાગ્યા સુધીના આગામી 3 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની પૂરેપૂરી સંભાવના છે. આ સમયગાળા દરમિયાન લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. વીજળી પડવાની અને ઝાડ પડવાની ઘટનાઓ બની શકે છે, તેથી સાવચેતી જરૂરી છે.

41 થી 61 કિમીની ઝડપે ફૂંકાશે તોફાની પવન

માત્ર વરસાદ જ નહીં, પરંતુ આ સિસ્ટમ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાક દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવશે અને 41 થી 61 કિમી પ્રતિ કલાકની પ્રચંડ ગતિમાં તોફાની પવન ફૂંકાશે. આટલી તેજ ગતિના પવનને કારણે કાચા મકાનો, હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થવાનું મોટું જોખમ રહેલું છે, જેને પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર છે.


અમદાવાદ અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં મેઘમહેર

આગામી 3 કલાક માટે જે જિલ્લાઓમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ છે, તેમાં રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદ અને પાટનગર ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ મધ્ય-પૂર્વ ગુજરાતના દાહોદ, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરામાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજા ધડબડાટી બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ એલર્ટ

ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને પણ હવામાન વિભાગે પોતાના નાઉકાસ્ટ બુલેટિનમાં આવરી લીધા છે. જે મુજબ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, નર્મદા અને તાપી જિલ્લામાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને ભાવનગર જિલ્લામાં પણ આગામી 3 કલાકમાં પવન સાથે મુશળધાર વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા સત્તાવાર આગાહી કરવામાં આવી છે.


આ પણ વાંચો - Gir Somnath News: 10 બાળકોને ફૂડ પોઇઝનિંગનો મામલો, ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલ બાદ ફૂડ વિભાગની રેડ, શિવ શક્તિ રેસ્ટોરન્ટમાંથી મળી આવી વાસી પાઉંભાજી!



  • Follow us on: