તીવ્ર ગરમી અને અસહ્ય ભેજથી પરેશાન ઉત્તર ભારત સહિત દેશભરના લોકો માટે રાહતના સમાચાર છે. હવામાન નિષ્ણાતોના મતે, ચોમાસા પહેલાની (પ્રી-મોન્સૂન) પ્રવૃત્તિઓ હવે મુખ્ય ચોમાસા માટે માર્ગ મોકળો કરી રહી છે. આ વરસાદ ખરીફ પાકની વાવણી માટે વરદાન સાબિત થશે. જોકે, હવામાન વિભાગે તેજ પવન, વીજળી અને પાણી ભરાવાની શક્યતાને પગલે લોકોને સાવધ રહેવા અપીલ કરી છે.
રાજ્યો અન્વયે હવામાનની વિગતવાર સ્થિતિ
દિલ્હી-એનસીઆર (Delhi-NCR): દિલ્હીમાં ચોમાસું અપેક્ષા કરતાં થોડું મોડું એટલે કે જુલાઈના પ્રથમ સપ્તાહમાં દસ્તક દેશે. ૨૭ જૂનથી ૧ જુલાઈ દરમિયાન પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ હેઠળ વાવાઝોડું, હળવો વરસાદ અને તેજ પવન ફૂંકાશે. ૨૮ જૂનથી તાપમાન ગગડશે અને ૩૦ જૂન તથા ૧ જુલાઈએ સારો વરસાદ પડી શકે છે.
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) : ૨૯ જૂનથી મોટો પલટો: આગામી બે દિવસ શાંતિ રહ્યા બાદ ૨૯ જૂનથી ૧ જુલાઈ દરમિયાન યુપીના હવામાનમાં તોફાની બદલાવ આવશે. લખનૌ, મેરઠ, કાનપુર, વારાણસી અને પ્રયાગરાજ સહિતના જિલ્લાઓમાં ૭૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવા ઉપરાંત ભારે વરસાદ અને વીજળી પડવાની આશંકા છે.
બિહાર (Bihar) : ૨ જુલાઈ સુધી વરસાદી માહોલ: બિહારમાં ચોમાસું પૂરઝડપે આગળ વધી રહ્યું છે. પટના, ગયા અને ભાગલપુર સહિતના જિલ્લાઓમાં ૨૮ જૂન સુધી હળવો અને ૨૯ જૂનથી ૨ જુલાઈ વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. આગામી ૫ દિવસમાં મહત્તમ તાપમાન ૨ થી ૪ ડિગ્રી સેલ્સિયસ ઘટશે, જે ડાંગરની ખેતી માટે ઉત્તમ ગણાશે.
રાજસ્થાન (Rajasthan) : રણ પ્રદેશમાં મેઘમહેર: જયપુર, અજમેર, કોટા અને ઉદયપુર સહિતના વિસ્તારોમાં ૨૭ થી ૨૯ જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન ૪૦ થી ૫૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
મધ્યપ્રદેશ (Madhya Pradesh) : સૌથી વધુ ફાયદો: આ ચોમાસામાં મધ્યપ્રદેશ પર મેઘરાજા સૌથી વધુ કૃપાળુ રહેશે. ભોપાલ, ઇન્દોર અને જબલપુર સહિત સમગ્ર રાજ્યમાં ૫૦ કિમીની ઝડપે પવન સાથે વ્યાપક ભારે વરસાદની આગાહી છે, જેનાથી ખરીફ પાકની વાવણીને વેગ મળશે.
પંજાબ અને હરિયાણા (Punjab & Haryana) : નવી વેધર સિસ્ટમ સક્રિય થતાં બંને રાજ્યોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બનશે. જુલાઈના પહેલા અઠવાડિયા સુધીમાં અહીં ચોમાસું પહોંચી જશે. ખેડૂતોને ડાંગરની રોપણી માટે પૂરતો ભેજ મળી રહેશે.
પર્વતીય રાજ્યો (ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ) : ટ્રિપલ એલર્ટ (વરસાદ, તોફાન અને કરા): ઉત્તરાખંડના નૈનિતાલ, પૌરી ગઢવાલ અને હરિદ્વાર જેવા વિસ્તારોમાં ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. ચારધામ યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓને હવામાનની માહિતી મેળવીને જ આગળ વધવા સલાહ અપાઈ છે.
હિમાચલમાં લેન્ડસ્લાઈડનો ભય: શિમલા, મનાલી અને કુલ્લુમાં ૬૦ થી ૭૦ કિમીની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદ પડશે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની આશંકાને પગલે તંત્ર સતર્ક છે.
પૂર્વત્તુર અને દક્ષિણ ભારત : નર્થ-ઈસ્ટમાં ભારે આફતની આગાહી કરવામાં આવી છે. આસામ, મેઘાલય અને અરુણાચલ સહિતના રાજ્યોમાં અતિભારે વરસાદને કારણે નદીઓનું જળસ્તર વધશે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
દક્ષિણ ભારતમાં ચોમાસું પૂરજોશમાં: તમિલનાડુ (કન્યાકુમારી, નીલગિરી), કર્ણાટક અને કેરળમાં સારો વરસાદ ચાલુ રહેશે, જે જળાશયો માટે ફાયદાકારક છે.
IMDનું ભારે વરસાદનું 16 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી, યુપી, બિહાર, એમપી, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કર્ણાટક અને જમ્મુ-કાશ્મીર. ઉત્તર પ્રદેશ, બિહાર અને હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા દરમિયાન પવનની ગતિ ૬૦ થી ૭૦ કિમી/કલાક સુધી પહોંચી શકે છે. આવા સમયે ઝાડ કે નબળા બાંધકામો નીચે ઊભા ન રહેવું. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના ખેતરોમાં પૂરતો ભેજ મળવાથી ખરીફ પાકોના પ્રારંભિક વિકાસમાં મોટો ફાયદો થશે.
આ પણ વાંચો : Weather Forecast : અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, આગામી 3 કલાક મહત્વના