ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાંથી ચોમાસાને લઈને મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. પાટણના સમી તાલુકામાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુરૂવારની બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ પવનના સુસવાટા સાથે વરસાદી ઇનિંગ શરૂ થઈ ગઈ હતી.


સમી, બાસ્પા અને દાઉદપુર પંથક પાણી-પાણી

સમી તાલુકા મથક ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. સમી સહિત આસપાસના બાસ્પા અને દાઉદપુર જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. રોડ-રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા. લાંબા સમયના વિરામ અને ચાતક નજરે જોવાયેલી રાહ બાદ મેઘ મહેર થતાં સમગ્ર પંથકમાં ચોમાસાની સક્રિય શરૂઆતના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

અસહ્ય ગરમીથી મુક્તિ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

છેલ્લા કેટલાય દિવસોથી પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં લોકો અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. પારો ગગડવાનું નામ નહોતો લેતો, ત્યારે ગુરૂવારના વરસાદે લોકોને મોટી રાહત આપી છે. સમી પંથકમાં વરસાદ પડતાં જ વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ છે, અને લોકોને ગરમી તથા ઉકળાટથી મોટી મુક્તિ મળી છે.


ખેડૂતોમાં ખુશીનો માહોલ, વાવણીના પાક માટે નવી આશા

આ વરસાદ ગ્રામીણ અર્થતંત્ર અને ખાસ કરીને જગતના તાત માટે અમૃત સમાન સાબિત થયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા સ્થાનિક ખેડૂતોમાં આ વરસાદથી ખુશીની લહેર દોડી ગઈ છે. આ વરસાદના કારણે ખેતરોમાં વાવણી લાયક માહોલ તૈયાર થશે અને ઊભા પાકને નવું જીવનદાન મળશે, જેનાથી ધરતીપુત્રોમાં કૃષિ સિઝન માટે એક નવી આશા જાગી છે.


આ પણ વાંચો - Patan : કોંગ્રેસ MLA કિરીટ પટેલ સામે ચીફ ઓફિસરે ઠોક્યો બદનક્ષીનો દાવો, રાજકારણમાં મોટો ભડકો


  • Follow us on: