રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. જિલ્લાના વિંછીયા પંથકમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ પોતાની ધમાકેદાર હાજરી નોંધાવી છે. વહેલી સવારથી જ આસપાસના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. વિંછીયાના આસપાસના ગ્રામ્ય પંથકોમાં સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી રહી છે.


ભારે પવન સાથે તૂટી પડ્યો વરસાદ, રસ્તાઓ પાણી-પાણી

વિંછીયા તાલુકાના રેવાણીયા, પીપરડી સહિતના આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસેલા આ વરસાદના કારણે ગામના મુખ્ય માર્ગો અને સોસાયટીના રસ્તાઓ પરથી નદીઓની જેમ પાણી વહી નીકળ્યા હતા. વાવણી લાયક વરસાદ થવાના સંકેતો મળતા જ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.


અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક

બુધરારે દિવસભર સૂર્યનારાયણના પ્રકોપના કારણે લોકો અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. આખો દિવસ અસહ્ય ઉકળાટ રહ્યા બાદ સાંજના સમયે અચાનક જ કુદરતે મિજાજ બદલ્યો હતો અને વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઠંડા પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદના પગલે સમગ્ર વિંછીયા પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેથી સ્થાનિક લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે.


આ પણ વાંચો - Rajkot News: જંગલેશ્વર ડિમોલેશન માં રૂ. 27 લાખનું ફૂડ બિલ, જાણો કેટલા રૂપિયાનું શું ખાધું?


  • Follow us on: