ગુજરાતમાં મેઘરાજા હજુ પણ રીસામણાં રૂપે જોવા મળી રહ્યા છે. હાલ પ્રિ મોન્સૂન એક્ટિવીટીના ભાગરુપે છુટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી રહ્યો છે. સામાન્ય રીતે જૂન મહિનાના મધ્ય સુધીમાં રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં વરસાદના કોઈ ઠેકાણાં નથી. 


ઉનાળાની સીઝન લંબાઈ હોય તેવો અહેસાસ 

આકાશમાં દરરોજ કાળાડિબાંગ વાદળો ઘેરાય છે, પરંતુ વરસ્યા વગર જ ગાયબ થઈ જતાં હોવાથી ધરતીપુત્રો સહિત સામાન્ય જનતા પણ ચિંતામાં મૂકાઈ છે. વરસાદ ખેંચાવાના કારણે રાજ્યમાં ઉનાળાની સીઝન લંબાઈ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે, અને લોકો અસહ્ય ગરમી તેમજ ગૂંગળાવી નાખતા બફારાથી ત્રસ્ત બન્યા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સતત સક્રિય રહેવાના કારણે ચોમાસાની ગતિ ધીમી પડી

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વરસાદ વિલંબિત થવા પાછળ વૈશ્વિક અને સ્થાનિક હવામાનના સમીકરણો જવાબદાર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સતત સક્રિય રહેવાના કારણે ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે. આ ઉપરાંત, બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં મજબૂત લો-પ્રેશર ન સર્જાવાને કારણે વરસાદી સિસ્ટમ તદ્દન નબળી પડી ગઈ છે. આ ચોંકાવનારા વિલંબ પાછળ ગલ્ફ ક્ષેત્રની અસરો પણ મુખ્ય ગણાઈ રહી છે, જેના લીધે દરિયાઈ પાણીનું તાપમાન સામાન્ય કરતાં વધી ગયું છે અને ભેજ ચોક્કસ દિશામાં આગળ વધી શકતો નથી.

સૌથી વધુ ચિંતા ખેડૂતોને

મેઘરાજાના આ ‘વેઈટિંગ મોડ’ને કારણે સૌથી વધુ ચિંતા ખેડૂત આલમમાં જોવા મળી રહી છે. વાવણીલાયક વરસાદની આશાએ બેઠેલા ખેડૂતોનો પાક ચાર્ટ ખોરવાઈ રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ તાપમાનનો પારો ઊંચો રહેતાં એસી અને પંખા પણ લોકોને ગરમીથી રાહત આપી શકતા નથી. હવામાન વિભાગના મતે, જ્યાં સુધી સમુદ્રમાં નવું લો-પ્રેશર એક્ટિવ નહીં થાય ત્યાં સુધી આગામી થોડા દિવસો હજુ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : ગુજરાતના મહાનગરોમાં ‘વાઇફ સ્વેપિંગ’નો કાળો ખેલ, પત્નીઓની અદલાબદલીનું આ દૂષણ કેટલું ઊંડું છે?

  • Follow us on: