દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં મોડી રાતથી જ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના લીધે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વલસાડમાં ભારે વરસાદ
વલસાડ જિલ્લામાં મોડી રાતથી જ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે વલસાડના મોગરાવાડી અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. પાણીનું સ્તર વધી જતાં વહીવટી તંત્ર દ્વારા આ અંડરપાસને વાહનવ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે. અંડરપાસ બંધ થવાને કારણે સ્થાનિક લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેને પગલે પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ સામે મોટા સવાલો ઉભા થયા છે.ઉપરાંત વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. છીપવાડ અંડરપાસમાં પાણી ભરાતા વાહનો બંધ થઇ ગયા હતા. અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા અને ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ફસાયેલા વાહનોને બહાર કાઢ્યા હતા.













