ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઇ ગઇ છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીના માત્ર ચાર કલાકમાં જ રાજ્યના 28 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં 2.01 ઇંચ ખાબક્યો છે. 


ઉધના અને લિંબાયતને જોડતું રેલ્વે ગરનાળું પાણીમાં ગરકાવ 

આ સિવાય કામરેજમાં 1.4 ઇંચ, ઓલપાડમાં 1.3 ઇંચ, માંગરોળમાં 1.1 ઇંચ અને વલસાડના ધરમપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે, આ મુશળધાર વરસાદ આફત બનીને તૂટી પડ્યો છે. સુરતમાં ભારે વરસાદને કારણે ઉધના અને લિંબાયતને જોડતું રેલ્વે ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પાણીનો નિકાલ ન થતાં વાહન વ્યવહાર માટે આ મુખ્ય માર્ગ બંધ કરવો પડ્યો છે, જેનાથી વાહનચાલકો ભારે પરેશાન થયા છે. આ ઉપરાંત પલસાણા અને કડોદરા નગરપાલિકા વિસ્તારની શ્રીનિવાસ સોસાયટી સહિતના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

વડોદરા અને જૂનાગઢમાં મેઘમહેરથી ઠંડક

બીજી તરફ, સંસ્કારી નગરી વડોદરામાં પણ મેઘરાજાની શાનદાર એન્ટ્રી થઈ છે. રાવપુરા, દાંડિયા બજાર અને કારેલીબાગ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં અદભુત ઠંડક પ્રસરી ગઈ છે. સોરઠ પંથકની વાત કરીએ તો, જૂનાગઢના વાતાવારણમાં અચાનક પલટો આવ્યો છે. પવિત્ર ગિરનાર પર્વત કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયો છે અને વાદળછાયા માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થતાં લોકોને અસહ્ય બફારા અને ગરમીમાંથી મોટી રાહત મળી છે.

 

અંકલેશ્વરમાં વહીવટી તંત્રની પોલ ખુલી

ભરૂચના અંકલેશ્વરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ગડખોલ પાટિયા નજીક નાળાની અધૂરી કામગીરીને કારણે પ્રથમ વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ સાથે ઉકાઈ જમણાકાંઠા નહેરના પાણી પણ મુખ્ય માર્ગ પર ફરી વળતા રસ્તો જળબંબોળ બન્યો છે. તંત્રની ધીમી કામગીરીને કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નાળાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માંગ ઉઠી છે. 


આ પણ વાંચો-----      Sandesh Digital Explainer : ચોમાસું આખરે ક્યાં જઈને અટકી ગયું? ગુજરાત માટે આગામી 24 કલાક કેમ અત્યંત રોમાંચક છે, જાણો અસલી રહસ્ય

  • Follow us on: