અરબી સમુદ્રમાં સર્જાયેલા ભારે ડીપ ડિપ્રેશન અને તેની સાથે અન્ય 4 મળીને એકસાથે કુલ 5 વરસાદી સિસ્ટમ કાર્યરત થતાં આગામી 7 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામી રહેશે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, આ મજબૂત વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડે તેવી પૂરેપૂરી શક્યતા છે.

હળવાથી મધ્યમ તેમજ કેટલાક સ્થળોએ ભારે વરસાદી ઝાપટાં

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ સિસ્ટમની વ્યાપક અસર જોવા મળશે. જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ તેમજ કેટલાક સ્થળોએ ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. દરિયામાં કરંટ હોવાના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ રહેશે વરસાદ

આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા તથા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં પણ કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને પવનની ગતિ પણ તેજ રહેશે. વરસાદી સિસ્ટમ અત્યંત મજબૂત હોવાના કારણે આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં ચોમાસું પૂરેપૂરું જામશે, જેનાથી ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 


આ પણ વાંચો   :    Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત  


આ પણ વાંચો    :    Vadodara : એક ફ્લેટ... અનેક યુવતીઓ... ઓનલાઈન ન્યુડ વીડિયો કોલ અને લાખોની કમાણી..! વાંચો ચોંકાવનારો કિસ્સો