- ઓપરેશન અજયની પ્રવર્તમાન સ્થિતિની વિદેશ મંત્રાલયે આપી માહિતી
- ભારત સરકાર ઈઝરાયેલની સ્થિતિનું કરી રહી છે સતત મૂલ્યાંકન
- બાકી રહેલા ભારતીયોને પરત લાવવા વધુ ફ્લાઈટ્સ મોકલવામાં આવશે
ઈઝરાયેલ-હમાસ વચ્ચેનાં સંઘર્ષમાં નાગરિકો કપરી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ સંઘર્ષમાં અનેક ભારતીયો ભોગ બન્યા છે જેમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનમાં સેંકડો ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે માહિતી આપી હતી કે 'ઓપરેશન અજય' હેઠળ 18 નેપાળી નાગરિકો સહિત લગભગ 1200 ભારતીય નાગરિકોને ઇઝરાયેલથી પાછા લાવવામાં આવ્યા છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે જરૂરિયાતો અનુસાર વધુ ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવશે.
અરિંદમ બાગચીએ આપી જાણકારી
એક પ્રેસ બ્રીફિંગને સંબોધતા, બાગચીએ જણાવ્યું હતું કે "1200 ભારતીયો ઓપરેશન અજય હેઠળની પાંચ ફ્લાઈટ્સમાં પરત લાવવામાં આવ્યા છે જેમાં 18 નેપાળી નાગરિકો પણ સામેલ છે. અમે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને જરૂરિયાતો અનુસાર અમે આગળની ફ્લાઈટ્સનું આયોજન કરીશું". બાગચીએ એ પણ કહ્યું હતું કે ''સરકાર હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલની સ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે.''
ગાઝામાં ભારતીયો સુરક્ષિત
અરિંદમ બાગચીએ ભારતીય નાગરિકોની જાનહાનિનાં અહેવાલોને નકારી કાઢતા કહ્યું હતું કે "મને સદનસીબે કોઈ જાનહાનિનો અહેવાલ મળ્યો નથી. એક ભારતીય નાગરિક ઘાયલ થયો હતો અને તેને તબીબી સંભાળ મળી રહી છે અને તેની સ્થિતિ હવે સ્થિર છે".
ગાઝામાંથી બહાર નીકળવું મુશ્કેલ
MEA પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે "ગાઝામાં લગભગ ચાર ભારતીય નાગરિકો છે. અમારી પાસે ચોક્કસ સંખ્યા નથી અને સંકલન કરી રહ્યા છીએ. પશ્ચિમ કાંઠે 12-13 ભારતીય નાગરિકો છે. ગાઝામાંથી બહાર નીકળવું થોડું મુશ્કેલ છે. અહેવાલ પ્રાપ્ત થયા છે કે કેટલાક પહેલેથી જ ત્યાંથી નીકળી ગયા છે પરંતુ અમે પુષ્ટિની રાહ જોઈશું,".
ઓપરેશન અજય
ઓપરેશન અજય એ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા 2023ના ઇઝરાયેલ-હમાસ યુદ્ધ દરમિયાન ઇઝરાયેલમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે હાથ ધરવામાં આવેલ ઓપરેશન છે. ઇઝરાયેલમાં લગભગ 18,000 ભારતીયોને પાછા લાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેની શરૂઆત કરી હતી.