• પેલેસ્ટાઈનનાં સમર્થનમાં પાકિસ્તાની અભિનેત્રીઓ સોશિયલ મીડિયા પર આવી સામે

  • ગાઝાની હોસ્પિટલ પર થયેલા હુમલા પાછળ ઈઝરાયેલને ઠેરવ્યું જવાબદાર
  • પાકિસ્તાની અભિનેત્રીઓએ પેલેસ્ટાઈન પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કરી પ્રાર્થના

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ સમગ્ર વિશ્વને અસર કરી રહ્યું છે. વિવિધ દેશો બે જૂથોમાં વહેંચાયેલા છે જેમાં કેટલાક ઈઝરાયેલના વખાણ કરી રહ્યા છે તો કેટલાક પેલેસ્ટાઈનને સમર્થન આપી રહ્યા છે. આ યાદીમાં પાકિસ્તાની અભિનેત્રીઓના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની ઘણી દિગ્ગજ અભિનેત્રીઓ પેલેસ્ટાઈનના સમર્થનમાં બહાર આવી છે અને યુદ્ધના કારણે થયેલી તબાહી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતી જોવા મળી રહી છે.

પાકિસ્તાની અભિનેત્રીઓ પેલેસ્ટાઈનનાં સમર્થનમાં

આ યુદ્ધ દરમિયાન ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનનાં હજારો નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં બનેલી ગાઝા હોસ્પિટલની ઘટનાથી સમગ્ર વિશ્વ હચમચી ઉઠ્યું છે. આ યુદ્ધનાં વિરોધમાં અને પેલેસ્ટાઈનનાં સમર્થનમાં અનેક પાકિસ્તાની અભિનેત્રીઓ સામે આવી છે. આ અભિનેત્રીઓની યાદીમાં યુમના ઝૈદી, સબા કમરથી લઈને હાનિયા આમિર સુધીના નામ સામેલ છે.

હાનિયા આમિરની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ

પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે. પેલેસ્ટાઈનનો ધ્વજ પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું- 'આ યુદ્ધ નથી, નરસંહાર છે, જે છે તે જ કહો.'

પેલેસ્ટાઈનના સમર્થનમાં યુમના ઝૈદીની પોસ્ટ

અભિનેત્રી યુમના ઝૈદીએ પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે - 'મારા પ્રિય પેલેસ્ટાઈન, આ દુનિયા કદાચ તમને સાંભળતી નથી, પરંતુ ચિંતા ન કરો, અમે પ્રાર્થના કરી રહ્યા છીએ કે બધા સાંભળે.' આ પોસ્ટ સાથે પ્રાર્થના પણ લખવામાં આવી છે.

સબા કમરે કરી અનેક પોસ્ટ 

અભિનેત્રી સબા કમરે તેના ટ્વીટર એકાઉન્ટ પર પેલેસ્ટાઈનને સમર્થન આપતા અનેક પોસ્ટ કરી છે. એક પોસ્ટમાં સબાએ લખ્યું હતું કે 'ઈઝરાયલે હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો! 500 થી વધુ લોકોની હત્યા કરી. આ વોર ક્રાઈમ છે!'

અન્ય એક પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું- 'નરસંહાર બંધ કરો.'

બીજી અનેક અભિનેત્રીઓએ પેલેસ્ટાઈનને આપ્યું સમર્થન

આ સિવાય દાનનીર, હુમા ઝહરા, નાદિયા જમીલ જેવી ઘણી અભિનેત્રીઓ પણ પેલેસ્ટાઈનના સમર્થનમાં આગળ આવી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે અભિનેત્રીઓએ પેલેસ્ટાઈન માટે પ્રાર્થના કરવા અને યુદ્ધ બંધ કરવાની અપીલ કરી છે.


  • Follow us on: