• હમાસ એ આતંકી નહીં પણ આઝાદી માટે લડતું સંગઠન - તુર્કી

  • ઈઝરાયેલ પર તુર્કીએ લગાવ્યો લોકો પર અત્યાચારનો આરોપ
  • અમેરિકાના મિત્ર દેશ તુર્કીએ ઈઝરાયેલના બદલે હમાસનું સમર્થન કર્યું

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 19મો દિવસ છે. નાટો દેશોના મહત્વના સભ્ય એવા તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ઈઝરાયેલ પર હુમલો કરનાર પેલેસ્ટિનિયન સંગઠન હમાસનો બચાવ કર્યો છે. એર્દોગન બુધવારે પાર્ટીના સાંસદોને મળ્યા હતા અને આ દરમિયાન તેમણે ઈઝરાયેલ પર અત્યાચારનો આરોપ પણ લગાવ્યો હતો.

આ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યું- હું ઈઝરાયેલ નહીં જઈશ. હમાસ આતંકવાદી સંગઠન નથી. તેના સભ્યો મુજાહિદ્દીન એટલે કે આઝાદીના લડવૈયાઓ છે જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો. તેઓ પોતાની જમીન અને નાગરિકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે નાગરિકો પર હુમલાની વિરુદ્ધ છીએ, પછી ભલે તેઓ ઇઝરાયેલી હોય.

મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયેલ અને હમાસનું યુદ્ધ ખતમ થવાના બદલે વધુને વધુ વકરી રહ્યું છે. ઈઝરાયેલની ઉત્તરી સીમા પરથી ઈરાન સમર્થિત હિઝબુલ્લાહે પણ ઈઝરાયેલની સેના પર રોકેટ હુમલા કર્યા છે અને સીરિયામાંથી પણ ઈઝરાયેલ પર હુમલા થઈ રહ્યા છે. ત્યારે આ યુદ્ધમાં ઈઝરાયેલની પડખે રહેવાનું વચન આપનાર અમેરિકા હવે ભેખડે ભરાયું છે. NATO નું સભ્ય દેશ તુર્કી આ મામલે અમેરિકાની નીતિ વિરુદ્ધમાં ગયું છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન હમાસના બચાવમાં ઉતર્યા છે અને તેમણે અમેરિકાની શરમ ભર્યા વગર ઈઝરાયેલની કાર્યવાહીને ખોટી ગણાવી હમાસને સ્વાતંત્ર્ય સંગઠન ગણાવી દીધું છે.

આ બધાની વચ્ચે ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે હમાસ પાસે 5 લાખ લીટર ઈંધણ છે. IDFએ કહ્યું- હમાસે તેને ગાઝામાં જ છુપાવ્યું છે. તેમનો દાવો છે કે હમાસ નાગરિકો પાસેથી આ ઈંધણની ચોરી કરે છે અને તેને પોતાની ટનલ, રોકેટ લોન્ચર અને નેતાઓ સુધી પહોંચાડે છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું- ગાઝાના લોકોએ ઈંધણની અછતની ફરિયાદ ઈઝરાયલને નહીં પરંતુ હમાસને કરવી જોઈએ. તેમની પાસેથી જ બળતણ માંગવું જોઈએ. વાસ્તવમાં, યુદ્ધની વચ્ચે, ગાઝામાંથી ઇંધણ સમાપ્ત થવાના સતત અહેવાલો છે. જેના કારણે વીજકાપની સમસ્યાની વચ્ચે ઘણી હોસ્પિટલોમાં દર્દીઓના ઈલાજમાં સમસ્યાઓ થઈ રહી હોવાની જાણકારી સામે આવી છે.

WHO અનુસાર, ગાઝાની 6 હોસ્પિટલોને ઈંધણના અભાવે બંધ કરવી પડી હતી. તેમાંથી એક હજાર લોકો ડાયાલિસિસ પર છે, જ્યારે 130 પ્રિમેચ્યોર બાળકો છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો આઈસીયુમાં અન્ય હોસ્પિટલોમાં દર્દીઓને જીવ ગુમાવવો પડી શકે છે. જો કે આ બધાની વચ્ચે ભારત અને જાપાનની રાહત સામગ્રી ગાઝામાં પહોંચવાનું શરૂ થઈ ગયું હોય તેવી જાણકારી પણ સામે આવી છે. ભારતે કહ્યું છે કે ગાઝામાં માનવીય સહાય મોકલવાનું તે ચાલુ રાખશે. હાલ આ સહાય ઈજિપ્તની રાફા બોર્ડરથી થઈને ગાઝા પહોંચાડવામાં આવી રહી છે.


  • Follow us on: