- ઇઝરાયેલ-પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ વચ્ચેના યુદ્ધ બન્યું ઉગ્ર
- હિઝબુલ્લાહ જૂથે ઇઝરાયેલની સેના પર એન્ટી ટેન્ક મિસાઇલોથી કર્યો હુમલો
- યુદ્ધને લઇ 12 ઓક્ટોબરે બ્રસેલ્સમાં નાટોના સદસ્યની મળશે બેઠક
ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ વચ્ચેના યુદ્ધમાં લેબેનોન પણ જોડાયું છે અને લેબનીઝ હિઝબુલ્લાહ જૂથે ઇઝરાયેલની સેના પર એન્ટી ટેન્ક મિસાઇલોથી હુમલો કર્યો હતો, જે બાદ ઇઝરાયેલની સેનાએ પણ લેબેનોન તરફ ઘાતક હવાઇ હુમલાઓ શરૂ કરી દીધા છે.
હિઝબુલ્લાહ જૂથે ઇઝરાયેલની સેના પર એન્ટી ટેન્ક મિસાઇલોથી કર્યો હુમલો
ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચેના યુદ્ધમાં લેબનોન પણ સામેલ થઇ ગયું છે. લેબનોનના હિઝબુલ્લા જૂથે ઈઝરાયેલની સેના પર એન્ટી ટેન્ક મિસાઈલથી હુમલો કર્યો, જે બાદ ઈઝરાયેલની સેનાએ પણ વળતો જવાબ આપ્યો છે. બીજી તરફ ઇઝરાયેલના હુમલામાં હમાસના બે વરિષ્ઠ કમાન્ડર માર્યા ગયાના સમાચાર સામે આવ્યા હતા. તાજેતરના આંકડાઓ અનુસાર, ઇઝરાયેલી દળો દ્વારા ઓછામાં ઓછા 900 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, જ્યારે હમાસે શનિવારે સંઘર્ષ શરૂ થયો ત્યારથી 1,200 થી વધુ ઇઝરાયેલીઓની હત્યા કરી છે. હમાસે શનિવારે ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયલ પર જોરદાર રોકેટ હુમલો કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. ઇઝરાયેલે સોમવારે સંપૂર્ણ નાકાબંધીનો આદેશ આપ્યા બાદ ગાઝા પટ્ટીમાં પાણી, રાશન અને ઇંધણનો પુરવઠો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો.
હમાસ ચળવળની સશસ્ત્ર પાંખ અલ-કાસમ બ્રિગેડના કમાન્ડરનો એક સંબંધી ગાઝા પટ્ટીના દક્ષિણમાં ઇઝરાયેલી હવાઈ હુમલા દરમિયાન માર્યો ગયો હતો. ઈઝરાયેલના યુદ્ધ વિમાને અલ-કાસમના મુખ્ય કમાન્ડર મોહમ્મદ અલ-દેઈફના ભાઈના ઘરને નિશાન બનાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ખાન યુનિસ શહેરમાં થયેલા હુમલામાં ઘર સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયું હતું અને તેનો ભાઈ તેમજ તેના ભાઈનો પુત્ર અને પુત્રી આ હુમલામાં માર્યા ગયા હતા. જોકે, એ જાણી શકાયું નથી કે બોમ્બ વિસ્ફોટ સમયે બ્રિગેડ કમાન્ડર ઘરમાં હાજર હતો કે નહીં.
12 ઓક્ટોબરે બ્રસેલ્સમાં નાટોના સદસ્ય પ્રધાનોની બેઠક
IDF એ એમ પણ કહ્યું હતું કે લેબનોનથી ઇઝરાયેલ પર ટેન્ક મિસાઇલો છોડવામાં આવી હતી, જેનાથી ઇઝરાયેલી દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. બીજી તરફ અમેરિકાના સૈન્ય સહયોગીઓના સંગઠન નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)ના પ્રતિનિધિઓ ગુરૂવારે ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગાલાંટને મળશે અને તેમની પાસેથી નવીનતમ સ્થિતિની માહિતી મેળવ્યા બાદ ભવિષ્યની રણનીતિ અંગે વિચારણા કરશે. બ્રસેલ્સમાં નાટોના સદસ્ય પ્રધાનોની બેઠક પહેલાં, નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે જણાવ્યું હતું કે ઇઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગાલાન્ટ ગુરુવાર, 12 ઓક્ટોબરે તેમના યુદ્ધગ્રસ્ત પ્રદેશની પરિસ્થિતિ વિશે નાટોના સભ્ય દેશોના સંરક્ષણ પ્રધાનોને માહિતી આપશે.