બ્રાઝિલના સાઓ પાઉલોમાં આવેલા ભીષણ વાવાઝોડાએ કાળો કેર મચાવ્યો છે. વાવાઝોડું એટલું શક્તિશાળી હતું કે ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયા હતા, જ્યારે દક્ષિણ અમેરિકાના સૌથી મોટા મહાનગરમાં શનિવારે લગભગ 1.4 મિલિયન ઘરોમાં વીજળી ગુમ થઈ ગઈ હતી. લાખો લોકો બેઘર બન્યા છે.
સાઓ પાઉલોના અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે 67 માઈલ (108 કિલોમીટર) પ્રતિ કલાકની ઝડપે આવેલા વાવાઝોડાએ પાવર ટ્રાન્સમિશન લાઈનોને ટક્કર મારી હતી અને કેટલાંક વૃક્ષો ઉખડી ગયા હતા, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ગંભીર નુકસાન થયું હતું.
અનેક જગ્યાએ મકાનો, દુકાનો અને મકાનોની છત ઉખડી ગઈ હતી. કાર અને અન્ય વાહનો કાગળની જેમ પવન અને પાણીમાં વહેવા લાગ્યા. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર વાવાઝોડાને કારણે અનેક એરપોર્ટ પણ બંધ કરવા પડ્યા હતા અને ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સેવા ખોરવાઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક વૃક્ષ મૂળ સાથે ઉખડી જતાં અને દુકાન પર પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું.
હજારો મકાનોમાં અંધકારપટ છવાયો
ભયંકર વાવાઝોડાને કારણે હજારો મકાનો અંધકારમાં ડૂબી ગયા છે. બ્રાઝિલના અધિકારીઓએ જણાવ્યું કે વાવાઝોડાને કારણે સાઓ પાઉલોની આસપાસના વિસ્તારોમાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયા છે. સત્તાવાળાઓએ વાવાઝોડું સમાપ્ત થયાના કલાકોમાં પાવર ટ્રાન્સમિશન ફરી ચાલુ કરવાની આશા રાખી હતી, પરંતુ લોકોએ શનિવારે અંધકારનો સામનો કરવાનું ચાલુ રાખ્યું હતું, સંબંધિત અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓને પાણીનો વપરાશ મર્યાદિત કરવા વિનંતી કરી હતી. આ મેટ્રોપોલિટન વિસ્તારમાં ઓછામાં ઓછા 2 કરોડ 10 લાખ લોકો રહે છે. જેને વીજળી ન હોવાથી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.