ભારત અને કેનેડા દેશ વચ્ચેના સંબંધોમાં ઘર્ષણ ચાલી રહ્યો છે. આ દરમ્યાન કેનેડાએ ઈન્ટરનેશનલ સ્ટુડેન્ટસ માટે ફાસ્ટ ટ્રેક સ્ટડી વીઝા પ્રોગ્રામ એટલે કે, સ્ટુડેન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમને સમાપ્ત કરી દીધું છે. આની સૌથી વધુ અસર ભારત સહિત બીજા દેશોના વિદ્યાર્થીઓ પર પડશે. સ્ટુડેન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ હેઠળ અરજી કરનાર વિદ્યાર્થીઓને ખૂબ ઓછા સમયમાં સ્ટડી વીઝા મળી જતા હતા. મળતી માહિતી અનુસાર, ભારત વિદેશી વિદ્યાર્થીઓનો સૌથી મોટો સોર્સ દેશ છે, એક અનુમાન પ્રમાણે ચાર લાખ 27 હજાર ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં રહીને અભ્યાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કેનેડામાં SDS હેઠળ ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ માત્ર 20 દિવસમાં પ્રોસેસ કરવામાં આવતી હતી, એટલે કે આ કામમાં માત્ર 20 દિવસનો સમય લાગતો હતો, પરંતુ હવે તેમાં 8 અઠવાડિયા જેટલો લાંબો સમય લાગી શકે છે.
આ દેશોના વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો
કેનેડા દેશમાં સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) વર્ષ-2018માં વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓને ઝડપથી વિઝા મેળવી શકે. આની અંતર્ગત, ભારત, એન્ટિગુઆ, બાર્બુડા, બ્રાઝિલ, ચીન, કોલંબિયા, કોસ્ટા રિકા, મોરોક્કો, પાકિસ્તાન, પેરુ, ફિલિપાઇન્સ, સેનેગલ, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ, ત્રિનિદાદ, ટોબેગો, વિયેતનામના વિદ્યાર્થીઓ માટે માર્ગો ખોલવામાં આવ્યા હતા.
કેનેડિયન તંત્રનું નિવેદન
કેનેડા દેશનું વહીવટી તંત્ર ઈમિગ્રેશન રેફ્યૂજી એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે અભ્યાસ વિઝા માટેની અરજી પ્રક્રિયામાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સમાન અને ન્યાયી તકો પ્રદાન કરવા માટે કટિબદ્ધ છીએ. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેનેડાનો હેતુ ફાસ્ટ ટ્રેક સ્ટડી વિઝા પ્રોગ્રામને મજબૂત કરવાનો અને તમામ વિદ્યાર્થીઓને અરજી પ્રક્રિયામાં સમાનતા પ્રદાન કરવાનો છે.
જસ્ટિન ટ્રુડોએ શું કહ્યું?
અગાઉ સપ્ટેમ્બરમાં, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોશિયલ મીડિયા X પર જાહેરાત કરી હતી કે આ વર્ષે અમે 35 ટકા ઓછા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વીઝા આપી રહ્યા છીએ અને આવતા વર્ષે આ સંખ્યામાં 10 ટકાનો ઘટાડો થશે. તેમણે કહ્યું કે એ પણ સાચું છે કે ઈમિગ્રેશન આપણા અર્થતંત્ર માટે ફાયદાકારક છે, પરંતુ જ્યારે ખરાબ લોકો સિસ્ટમનો દુરુપયોગ કરે છે અને વિદ્યાર્થીઓનો ફાયદો ઉઠાવે છે ત્યારે અમે આવી કાર્યવાહી કરીએ છીએ. તેમણે કહ્યું કે તેઓ હંગામી નિવાસીઓની સંખ્યા ઘટાડવાનું વિચારી રહ્યા છે.
વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ મંજૂરી માટે અરજી કરી શકશે
IRCC એ ભારતીય સમય અનુસાર શનિવારે રાત્રે 2:30 વાગ્યાનો કટ-ઓફ સમય આપ્યો હતો અને કહ્યું હતું કે આ પહેલા મળેલી તમામ પાત્ર SDS અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવશે. જો કે, IRCC એ એમ પણ કહ્યું કે સંભવિત વિદ્યાર્થીઓ હજુ પણ નિયમિત અભ્યાસ પરમિટ સ્ટ્રીમ દ્વારા અરજી કરી શકે છે, જેના માટે બાંયધરીકૃત રોકાણ પ્રમાણપત્રો નાણાકીય સહાયના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે.
કેનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરી રહ્યું છે
મળતી માહિતી અનુસાર, એક કેનેડિયન પોર્ટલ, અહેવાલ આપે છે કે કેનેડામાં અભ્યાસ કરવા ઈચ્છતા સંભવિત વિદ્યાર્થીઓ માટે વર્ષ-2024 એક અશાંત વર્ષ રહ્યું છે, કારણ કે કેનેડામાં પ્રવેશ મેળવવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં દર વર્ષે ઘટાડો થઈ રહ્યો છે. પોર્ટલે કહ્યું કે SDS હેઠળ, ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ માત્ર 20 દિવસમાં પ્રક્રિયા કરવામાં આવતી હતી, એટલે કે આ કાર્યમાં માત્ર 20 દિવસનો સમય લાગતો હતો, પરંતુ હવે તેમાં 8 અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.