કેનેડામાં લગભગ 1.3 લાખ ભારતીય વિદ્યાર્થીઓની વર્ક પરમિટ 31 ડિસેમ્બર, 2024 ના રોજ સમાપ્ત થવાની તૈયારીમાં છે. આ પરિસ્થિતિ સામે, વિદ્યાર્થીઓ બ્રેમ્પટનમાં વિરોધ કરી રહ્યા છે, જ્યાં તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટના વિસ્તરણની માગ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ મોટાભાગે પંજાબના છે. દેશનિકાલના ડરથી 29 ઓગસ્ટથી વિરોધ કરી રહ્યા છે.
આ વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટના વિસ્તરણ, કાયમી નિવાસ માટે યોગ્ય નીતિ અને "શોષણ" સામે તેમની માગણીઓ આગળ મૂકી રહ્યા છે. વિરોધનું નેતૃત્વ યંગ સ્ટુડન્ટ નેટવર્કના બિક્રમ સિંહ કુલેવાલ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેને મોન્ટ્રીયલ યુથ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓમાં બિનજરૂરી ભય
મોન્ટ્રીયલ યુથ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશનના કન્વીનર મનદીપે જણાવ્યું હતું કે, "લગભગ 1.3 લાખ વિદ્યાર્થીઓ જોખમમાં છે કારણ કે તેમની વર્ક પરમિટ 31 ડિસેમ્બરે સમાપ્ત થશે. તેઓ કેનેડામાં રહેવા માટે વર્ક પરમિટ વધારવાની માગ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં ભારત અને "કેનેડા વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો અને કેનેડાએ ઈમિગ્રન્ટ્સ અને વિદ્યાર્થીઓમાં બિનજરૂરી ભય પેદા કર્યો છે." તેમને કહ્યું કે ભારત સરકાર વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રોજગાર આપવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે યુવાનો પાસે કેનેડા અને અન્ય દેશોમાં સ્થળાંતર કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.
કેનેડામાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે સંઘર્ષ
મોન્ટ્રીયલ યુથ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશનના વરુણ ખન્નાએ જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસોથી કેનેડામાં યુવા વિદ્યાર્થીઓ કાયમી વસવાટ માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમને કહ્યું કે ન તો ભારત સરકારના કોઈ અધિકારી કે કેનેડા સરકારના કોઈ પ્રતિનિધિ આ સંઘર્ષ કરી રહેલા વિદ્યાર્થીઓ પ્રત્યે કોઈ ચિંતા દર્શાવી રહ્યા નથી. તેના બદલે બંને દેશોના નેતાઓ હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર રાજકારણ રમી રહ્યા છે.
લેંગ્વેજ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં જરૂરી સ્કોર
કેનેડાએ તાજેતરમાં જાહેરાત કરી છે કે PGWP મેળવવા માટે, વિદ્યાર્થીઓએ કેનેડિયન લેંગ્વેજ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં 7નો સ્કોર મેળવવો જોઈએ અને તેમની પાસે માસ્ટર અથવા ડોક્ટરલ ડિગ્રી હોવી જોઈએ, જ્યારે ઘણા વિદ્યાર્થીઓ તે બજારમાં ઉપલબ્ધ નોકરીઓ મુજબ ટેકનિકલી લાયકાત ધરાવતા નથી. મનદીપે કહ્યું કે આ અનિશ્ચિત સમયમાં કેટલાક વિદ્યાર્થીઓ અન્ય વિકલ્પો શોધી રહ્યા છે અને કેટલાક ભારત પાછા ફરવા માટે પણ તૈયાર છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વાસ્તવિક મુદ્દાઓ
મોન્ટ્રીયલ યુથ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન સ્વયંસેવકોએ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિને સાવચેતીથી સંભાળવાની જરૂર છે અને ખાલી ભાષણોથી નહીં કે જે ભય અને ગભરાટ ફેલાવે છે. ભારત અને કેનેડાની બંને સરકારોએ સામાજિક વિભાજન, ભય અને નફરત પેદા કરતા ભડકાઉ નિવેદનો ટાળવા જોઈએ. બંને દેશોના રાજદ્વારીઓને પાછા બોલાવવામાં આવ્યા હોવાથી, વિદ્યાર્થીઓએ વિઝા અરજીઓ પૂર્ણ કરવા અને કેનેડામાં મુસાફરીની યોજના બનાવવા માટે હજુ વધુ રાહ જોવી પડશે.
તેમને એમ પણ કહ્યું કે મોંઘવારી, બેરોજગારી, કરનો બોજ, આવાસની અછત, ડ્રગ્સનો દુરુપયોગ, વધતા ભાડા અને કામચલાઉ કામદારોને કાયમી દરજ્જો આપવો એ સ્થાનિક કેનેડિયનો, ઈમિગ્રન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વાસ્તવિક મુદ્દાઓ છે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.