• કેનેડામાં મુશ્કેલીમાં વિદ્યાર્થીઓ

  • કમાવા માટે નોકરી અને રહેવા માટે છત નથી
  • સરેરાશ ભાડામાં 122% નો વધારો

પોતાના સંતાનોનું એક સારૂં ભવિષ્ય દરેક માતા પિતાનું સ્વપ્ન હોય છે. જેના માટે તેઓ પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખે છે. તો સાથે જ આ સ્વપ્નની પૂર્તિ માટે ઉચ્ચ શિક્ષા હોવાનું પણ જરૂરી માનવામાં આવે છે, જેના માટે વિદ્યાર્થીઓ વિદેશ જવાનું સ્વપ્ન સેવે છે. આ જ કારણ છે કે ભારતમાંથી ઘણાં વિદ્યાર્થીઓ દર વર્ષે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા, બ્રિટન કે કેનેડા જવાનું વિચારે છે. ભારતમાં રહેતા દરેક વિદ્યાર્થીઓ કેનેડાની લાઈફ એકંદરે ખૂબ સારી હોવાનું માને છે પરંતુ સત્ય આ મામલે કંઈક અલગ જ છે.

હકીકતે હાલમાં કેનેડામાં ખૂબ મોટી સંખ્યામાં હાઉસિંગ સંકટ સર્જાયું છે. અહીં પહોંચેલા ઘણાં વિદ્યાર્થીઓ માટે સ્થિતિ એવી છે કે તેઓ ભરપૂર ડિપ્રેશન અને તણાવમાં જીવી રહ્યા છે. એક તો મોંઘી ફી અને દેવું કરીને વ્યાજે રૂપિયા લઈને પણ કેનેડ ભણવા માટે આવ્યા, પરંતુ અહીં તો માથા પર છત મળવાના ઠેકાણા પણ નથી. હાલ ભારતીય વિદ્યાર્થીઓનું કેનેડિયન ડ્રીમ એક બેડ ડ્રીમમાં પરિવર્તિત થઈ રહ્યું છે. હાલમાં અહીં વિદ્યાર્થીઓને પાર્ટટાઈમ નોકરીઓ પણ નથી મળી રહી અને સાથે જ માથા પર રહેવા માટે છતનો આશરો પણ નથી.

રહેવા માટે વિરોધ પ્રદર્શન

ઓંટારિયોના નોર્થ બેમાં કેનેડોર કોલેજના 30 ભારતીય વિદ્યાર્થીઓને રહેવા માટે ઘર ન મળ્યું, જેથી તેમણે કોલેજની બહાર પ્રદર્શન કર્યું. તો કોલેજ તંત્ર તરફથી તેમને 2 દિવસ રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી, જો કે તેઓ ફરીથી હવે બેઘર છે. ઘણાં વિદ્યાર્થીઓને જમવા માટેનો ખર્ચો પણ અતિશય મોંઘો પડી રહ્યો છે. જેથી તેમને અલગ અલગ લંગરોમાં જમવાનું કરવું પડી રહ્યું છે.

વર્ષ 2023ના આંકડા અનુસાર કેનેડામાં 9 લાખથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે અને ઓલરેડી આ વર્ષના અંત સુધીમાં બીજા 5 લાખ નવા વિદ્યાર્થીઓ આવવાનું અનુમાન છે. હાલમાં કેનેડામાં મોટી સંખ્યામાં રહેઠાણોની અછત સર્જાઈ છે. હજારો વિદ્યાર્થીઓને ટેમ્પરરી રહેવા માટે પણ ઘર નથી મળતું, ત્યારે આ લાખો નવા વિદ્યાર્થીઓના આવવાથી સ્થિતિ વધુ વકરશે.

હાલ કેનેડામાં લગભગ 3.45 લાખ હાઉસિંગ યુનિટ્સ છે. જેમનું ભાડું પણ માગ વધતા સતત વધી રહ્યું છે. એકવાર તેમાં આવાસ મળ્યા પછી પણ તેના કાયમ રહેવાની કોઈ ગેરેન્ટી નથી. હાલ વિદ્યાર્થીઓને અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટમાં રહેવાનો વારો આવ્યો છે, જ્યાં ગંદગી અને ગૂંગળામણથી તેમની રાહ જોતી હોય છે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ હાલ કેનેડામાં બેરોજગાર થઈ રહ્યા છે. રહેવા અને કમાવવાની ચિંતા વચ્ચે સારી રીતે અભ્યાસ કરવું એ તેમના માટે ઘણું દુષ્કર થઈ રહ્યું છે.

શા માટે કેનેડા જાય છે વિદ્યાર્થીઓ?

કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પછી પીઆર અને નાગરિકતા મેળવવી આસાન છે, વિદ્યાર્થીઓ અહીં આ જ ટાર્ગેટ સાથે આવે છે. પરંતુ હાલ આ સ્થિતિ ઉલટ થઈ ગઈ છે. અહીં પ્રાઈવેટ કોલેજો હોસ્ટેલ ફેસેલિટી વિના વિદ્યાર્થીઓને એડમિશન આપવાની ઓફર કરે છે. તેમના માટે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ એક પૈસા કમાવવાની મશીન છે. જેમાં હાલમાં 40% વિદ્યાર્થીઓ ભારતીય મૂળના છે.

નોકરી નથી અને રહેવાનો ખર્ચો રોજના 100 ડોલર

કેનેડામાં ઘણાં વિદ્યાર્થીઓને રહેવા માટે બેઝમેન્ટ શેર કરવું પડે છે, જેનો પ્રતિમાસ ખર્ચો 450 ડોલર જેટલો હોય છે. કરિયાણા અને ફોન બિલ સહિત તે 700 ડોલર પહોંચી જાય છે. ઘણીવાર તો વિદ્યાર્થીઓએ મોંઘા મોટેલમાં રહેવું પડે છે. જેમાં રોજના 100 ડોલરનો ખર્ચો આવે છે. આની સામે પાર્ટટાઈમ નોકરીઓ મળતી નથી. જેથી ભણવા અને કોલેજની ટ્યુશન ફી પછી આ ખર્ચાનો બોજ વિદ્યાર્થીઓ પર આવી પડે છે, જેથી તેઓ ઘરેથી પૈસા મગાવવા મજબૂર બને છે. આવી સ્થિતિમાં પારકા દેશ અને પારકી ભૂમિ પર કોઈ મદદ મળતી નથી અને વિદ્યાર્થીઓ તણાવમાં આવી જાય છે.

કારમાં કપાઈ રહ્યા છે દિવસો

અનેક વિદ્યાર્થીઓ મજબૂરીમાં કારમાં દિવસ ગુજારી રહ્યા છે. તેમના માટે કાર એ જ તેમના માથાની છત છે. આવી સ્થિતિને લઈને ઘણાં અહેવાલો ખુદ કેનેડાની મીડિયામાં પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ મામલે વિપક્ષી નેતા પિયરે પોઈલિવ્રેએ પણ કેનેડા સરકાર પર નિશાન સાધ્યું હતું, કેમ કે એક અહેવાલ પ્રમાણે જે પ્રમાણે ઘરોની માગ વધી રહી છે, તેની સામે તેમના બનાવવાની સ્પીડમાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. હાલ સ્થિતિ એવી છે કે અહીં અગાઉના વર્ષોની સરખામણીએ ભાડા દરોમાં 122% નો વધારો થઈ ગયો છે. જે 1172 ડોલર પ્રતિમાસ હતું તે કેનેડિયન ઘર માટે હવે પ્રતિમાસ 2289 ડોલર ભાડું વસૂલાઈ રહ્યું છે.

લાખો કરોડોનો ધુમાડો કર્યા પછી પણ કેનેડા જઈને આસમાન આંબવાના સ્વપ્નો જોતાં ભારતીય વિદ્યાર્થીઓના સ્વપ્નો ચકનાચૂર થઈ રહ્યા છે. ટૂંકા સમયમાં આ સ્થિતિ સારી થવાના કોઈ એંધાણ નથી. હાલ ભારતીય વિદ્યાર્થીઓની સમસ્યાઓ દિન પ્રતિદિન વધતી જ જઈ રહી છે.

  • Follow us on: