મધ્ય આફ્રિકી દેશ કોંગોની કિવુ નામના તળાવમાં ગુરુવારે એક બોટ પલટી જતા ઓછામાં ઓછા 78 લોકોનાં મોત થયા છે. બોટમાં 278 લોકો સવાર હતા. જો કે મોતનો આંકડો હજી વધી શકે છે. આ અગાઉ નજરે જોનાર લોકોએ જણાવ્યું હતું કે, હોડીમાં ક્ષમતા કરતાં વધુ પ્રવાસીઓ સવાર હતા. જેથી હોડી માલિક અને સંચાલકોની બેદરકારીને લીધે આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી.


 

કોંગો દેશના પૂર્વ વિસ્તારમાં આવેલા કિટુકુ બંદરથી થોડા અંતરે બોટ ડૂબી ગઈ. હોડી બંદરે પહોંચે તે પહેલા 100 મીટરના અંતરે જ ડૂબી ગઈ અને હોડીમાં સવાર લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દુર્ઘટનાનો ભોગ બનેલી હોડી દક્ષિણી કિવુ પ્રાંતના મિનોવાથી ઉત્તર ગોમા જઈ રહી હતી. ગોમાના કિનારે પહોંચતા જ હોડી દુર્ઘટનાનો ભોગ બની ગઈ અને ડૂબી ગઈ. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પર સામે આવ્યો છે, જેમાં હોડી પહેલા એક તરફ ઝૂકેલી નજરે પડી રહી છે અને બાદમાં તળાવના ઊંડા પાણીમાં ડૂબી જતી દેખાય છે. 

અગાઉ પણ અકસ્માતો સર્જાઈ ચુક્યા છે

અગાઉ જૂનમાં કોંગોની રાજધાની કિંશાસા પાસે બોટ ડૂબી જતાં 80 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. જાન્યુઆરીમાં, 22 લોકો મૃત્યુ પામ્યા જ્યારે હોડી માઈ-નડોમ્બે તળાવમાં પલટી ગઈ. કોંગોમાં આવી ઘટનાઓ સામાન્ય છે. અહીં બોટ તેની ક્ષમતા કરતાં વધુ લોકો અને સામાનથી ભરેલી છે. સાથે જ મુસાફરોને લાઈફ જેકેટ પણ આપવામાં આવતા નથી. આવી સ્થિતિમાં મોજા ઉછળતાં હોડી પલટી જાય છે. આ પછી બચાવ કામગીરી મુશ્કેલ બની જાય છે. આ અકસ્માતમાં પણ આવું જ બન્યું હતું. બોટમાં ક્ષમતા કરતા વધુ સામાન હતો. પહેલા પાણી શાંત હતું, પરંતુ પછીથી મોજાં ઉછળવા લાગ્યા અને હોડી ડૂબી ગઈ. દુર્ઘટનામાં બચી ગયેલા એક વ્યક્તિએ કહ્યું કે પહેલા બધું શાંત હતું, પછી મોજાઓ ફરવા લાગ્યા અને બોટ નમેલી. આવી સ્થિતિમાં, ઉપર બેઠેલા લોકોએ પાણીમાં કૂદવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે આખી બોટ ડૂબી ગઈ. એક અધિકારીએ જણાવ્યું કે મૃતકોની ચોક્કસ સંખ્યા જાણવામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ લાગી શકે છે.

  • Follow us on: