ગત મંગળવારે ઈરાને કરેલા ઈઝરાયલ પર મિસાઈલના વળતા જવાબમાં ઈઝરાયલે હિઝબુલ્લા અને હમાસ પર હુમલા શરૂ કરી દીધા છે. ઈઝરાયલે બેરુત એરપોર્ટ પાસે મોડી રાત્રે ભીષણ હુમલો કર્યો હતો. એકપછી એક 10 એરસ્ટ્રાઈકથી બેરુતનું આકાશ ગૂંજી ઉઠયું હતું. આટલું ઓછું હોય તેમ ઈઝરાયલે ગ્રાઉન્ડ ઓપરેશન પણ તાબડતોબ શરૂ કરી દીધું હતું. ઈઝરાયલે હમાસના ચીફ જહી યાસર અબ્દ અલ-રઝેક ઓફીને પણ માર્યાનો દાવો કર્યો છે.


મળતી માહિતી અનુસાર ઈઝરાયલના પ્રચંડ હુમલામાં સિનિયર હિઝબુલ્લા અધિકારી હાશેમ સફીદીનને પણ ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન હિઝબુલ્લાએ પણ ઈઝરાયલી સૈન્યના 17 અધિકારીઓ અને સૈનિકોને માર્યાનો દાવો કર્યો છે. 

ઈઝરાયેલી સેનાએ શુક્રવારે કહ્યું કે તેણે પશ્ચિમ કાંઠે તુલકારમ પર હુમલામાં હમાસ નેટવર્કના ચીફને મારી નાખ્યો છે. સેનાએ એક નિવેદનમાં હમાસ આતંકવાદીની ઓળખ ઝાહી યાસર અબ્દ અલ-રઝેક ઓફી તરીકે કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં ઈઝરાયેલના સ્ત્રોતને ટાંકીને સફીદીન એ વ્યક્તિ છે જેને હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહનો અનુગામી માનવામાં આવે છે. જો કે, આ મુદ્દે કોઈપણ પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ઈઝરાયેલ ઈરાનના તેલના કૂવાઓ પર હુમલો કરી શકે છે

ઈરાનના હુમલાનો વળતો જવાબ કેવી રીતે આપવો તે અંગે ઈઝરાયેલે હજુ સુધી નિર્ણય લીધો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને સ્પષ્ટ કર્યું છે કે જો ઈઝરાયેલ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરશે તો અમેરિકા તેને ટેકો નહીં આપે. જોકે, જ્યારે બાઈડેનને પૂછવામાં આવ્યું કે શું ઈઝરાયેલ ઈરાનના તેલના કૂવાઓ પર હુમલો કરવા જઈ રહ્યું છે તો તેણે કહ્યું કે તે આ અંગે જાહેરમાં વાત કરશે નહીં. બાઈડેનના નિવેદનથી વૈશ્વિક તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે તેલના પુરવઠામાં વિક્ષેપ પડવાનો ડર વેપારીઓને છે. 

  • Follow us on: