પાડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અમેરિકામાં ચૂંટણી જીતી ચુકેલા નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જીતની શુભેચ્છા પાઠવી તો દીધી પરંતુ પછી તેઓ હાલ ખૂબ ખરાબ રીતે ફસાઈ ચુક્યા છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ટ્રમ્પને શુભકામના આપી પરંતુ તેઓની સોશિયલ મીડિયા પોસ્ટની નીચે એક કમ્યુનિટી નોટે સૌનું ધ્યાન એ વાત પર ખેંચ્યું કે પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા એકસ પર પ્રતિબંધ છે. નોટમાં લખ્યું છે કે, વીપીએનના માધ્યમથી શાહબાઝ શરીફ પ્લેટફોર્મ સુધી પહોંચી રહ્યા છે. પાકિસ્તાનના કાયદા અનુસાર આ ગેરકાયદે છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની સોશિયલ મીડિયાની પોસ્ટની નીચે એક કોમ્યુનિટી નોટ પણ દેખાઈ રહી છે. જેમાં લખ્યું છે કે, પાકિસ્તાની વડાપ્રધાન VPN દ્વારા પ્લેટફોર્મ એક્સેસ કરી રહ્યા છે. પાકિસ્તાનના કાયદા મુજબ આ રાષ્ટ્રીય નિયમોનો ઉલાળિયો છે.
શાહબાઝ શરીફે VPN નો ઉપયોગ કર્યો!
આ વર્ષે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે સુરક્ષા કારણોસર દેશમાં સોશિયલ મીડિયા X પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ હજુ પણ લોકો VPN દ્વારા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. હવે ઈન્ટરનેટ મીડિયા પર સવાલ ઉઠી રહ્યો છે કે શું પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે પણ VPNનો ઉપયોગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન આપ્યા છે.
પૂર્વ પીએમ ઈમરાન ખાને પણ આપી શુભકામના
પાકિસ્તાનની અદિયાલા જેલમાં હવા ખાઈ રહેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પણ ડોનાલ્ડ ટ્ર્મ્પને જીતની શુભેચ્છા પાઠવી હતી. તેઓએ લખ્યું કે, મારી અને પીટીઆઈ પાર્ટી તરફથી અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવા બદલ શુભેચ્છા. તમામ વિઘ્ન છતાં અમેરિકી લોકોની ઈચ્છા યથાવત્ રહી. ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો માટે સારા સાબિત થશે. અમને આશા છે કે તેઓ વૈશ્વિક સ્તરે શાંતિ, માનવાધિકાર અને લોકતંત્ર માટે પ્રયાસ કરશે.
પાકિસ્તાનમાં VPN ગેરકાયદેસર છે
સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે શહેબાઝ શરીફે VPN દ્વારા X પર ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપ્યા છે. પરંતુ પાકિસ્તાનમાં VPN નો ઉપયોગ ગેરકાયદેસર છે અને ત્યાં સજાની જોગવાઈ છે. જો કે, શાહબાઝ શરીફ ટ્રમ્પને અભિનંદન આપતા પહેલા જ તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર પોસ્ટ કરવાનું ચાલુ રાખે છે. મળતી માહિતી મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ અને શાહબાઝ શરીફ વચ્ચે હજુ સુધી ફોન પર વાત થઈ નથી.
એલન મસ્કને ખુશ કરવાનો પ્રયાસ
પાકિસ્તાને સોશિયલ મીડિયા એક્સ પર પ્રતિબંધ મૂક્યો છે. એક્સના માલિક ઉદ્યોગપતિ એલન મસ્ક છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીતમાં એલન મસ્કની મહત્વની ભૂમિકા રહી છે. મસ્કે સરાજાહેર ટ્રમ્પનો પ્રચાર કર્યો અને ઘણા અબજો રૂપિયાનું પેટભરીને દાન પણ આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ એલન મસ્ક અત્યારે સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. ટ્રમ્પની સાથે તેઓ ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે પણ ફોન પર વાત કરી રહ્યા છે. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું શાહબાઝ શરીફ દ્વારા ટ્રમ્પને એક્સ પર અભિનંદન પાઠવવો એ એલન મસ્કને ખુશ કરવાનો પ્રયાસ નથી?