- પીએમ મોદીએ હોસ્પિટલનાં મૃતકો માટે પોતાની સંવેદના પ્રગટ કરી
- વડાપ્રધાને મૃતકોના સ્વજનો પ્રત્યે દુ:ખની લાગણી કરી વ્યક્ત
- અમેરિકા અને ફ્રાંન્સનાં રાષ્ટ્રપતિએ ઘટનાને વખોડી કાઢી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાઝાની એક હોસ્પિટલમાં વિસ્ફોટમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ આ ઘટનાથી "ઊંડો આઘાત" અનુભવી રહ્યા છે. ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાં વધતી જતી નાગરિક જાનહાનિ અંગે પણ ચિંતા વ્યક્ત કરતાં પીએમએ જણાવ્યું હતું કે આવી ઘટના પાછળ જવાબદાર લોકો પર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.
બિડેનની પ્રતિક્રિયા
વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં રાષ્ટ્રપતિ બિડેનને ટાંકીને જણાવ્યું હતું કે, "ગાઝાની અલ અહલી અરબ હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટથી થયેલી ભયંકર જાનહાનિથી રાષ્ટ્રપતિ આક્રોશિત અને ખૂબ જ દુઃખી છે." ઘટનાની જાણ થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતિય સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
મેક્રોને કરી નિંદા
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ હોસ્પિટલ પરના હુમલાની નિંદા કરતા કહ્યું કે નાગરિકો પરના હુમલાને "વાજબી" ઠેરવી શકાય નહીં. તેમણે જણાવ્યું હતું કે ''હોસ્પિટલ પર કરવામાં આવેલી સ્ટ્રાઈકને કોઈ પણ રીતે વાજબી ઠેરવી શકાય તેમ નથી. નાગરિકોને નિશાન બનાવવાની ઘટનાને યોગ્ય ન ઠેરવી શકાય.
હુમલામાં ઈઝરાયેલનો હાથ નથી
ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુના પ્રવક્તા તાલ હેનરિચે જણાવ્યું હતું કે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ હોસ્પિટલોને નિશાન બનાવતી નથી. "તે માત્ર હમાસના ઠેકાણાઓ, હથિયારોના ડેપો અને આતંકવાદીઓને નિશાન બનાવે છે.
પેલેસ્ટાઈનનો દાવો
ગાઝા નાગરિક સંરક્ષણ વડાએ દાવો કર્યો હતો કે ગાઝા શહેરમાં અલ-અહલી બેપ્ટિસ્ટ હોસ્પિટલ પર કરવામાં આવેલા વિસ્ફોટ પાછળ ઈઝરાયેલ જવાબદાર છે. આ વિસ્ફોટમાં 300 થી વધુ લોકો માર્યા ગયા હતા.