અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમ્યાન બંને નેતાઓ વચ્ચે યુક્રેનમાં ચાલુ યુદ્ધને સમાપ્ત કરવા અને બીજા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ટ્રમ્પે તાજેતરમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવી છે અને ચૂંટણી બાદથી તેઓએ 70થી વધુ વિશ્વ નેતાઓ સાથે વાત કરી છે. જેમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ પણ સામેલ છે.



ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે શું વાત થઈ

મળતી માહિતી અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચેની વાતચીતનો મુખ્ય મુદ્દો યુરોપિયન મહાદ્વીપમાં શાંતિ અને યુક્રેન યુદ્ધનો ઉકેલ હતો. ટ્રમ્પે પુતિનને યુક્રેનમાં યુદ્ધને વધુ વધતું અટકાવવા અપીલ કરી હતી અને આ મુદ્દાને તાત્કાલિક ઉકેલવા માટે આગામી મંત્રણામાં સામેલ થવામાં રસ દર્શાવ્યો હતો. આ વાતચીત અંગે માહિતી આપતાં એક પૂર્વ અમેરિકી અધિકારીએ જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને પણ કહ્યું કે તેઓ રશિયાના આક્રમણને કારણે યુક્રેનમાં કોઈ નવા સંકટ સાથે વ્હાઇટ હાઉસમાં પ્રવેશવા માંગતા નથી.


ટ્રમ્પે મોટા મુદ્દાઓ ઉઠાવ્યા હોવાનો ખુલાસો

બે વિશ્વ સત્તાના વડાઓ વચ્ચે થયેલી વાતચીમાં ઘણાબધા મુદ્દાઓ ચર્ચાયા હતા. પહેલા તો રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ, મોંઘવારી, ઈઝરાયલ-હમાસ વચ્ચેનું ઘર્ષણ જેવા મુદ્દાઓ પણ ચર્ચાયા હતા. આ ઉપરાંત ટ્રમ્પે પુતિનને યુરોપમાં અમેરિકાની મોટી સૈન્ય હાજરીની યાદ અપાવી અને તેમને યુદ્ધને વધતા રોકવાની સલાહ આપી હતી. આ વાતચીત ફ્લોરિડામાં ટ્રમ્પના રિસોર્ટમાંથી કરવામાં આવી હતી. દરમિયાન, ટ્રમ્પના કોમ્યુનિકેશન ડાયરેક્ટર સ્ટીવન ચ્યુંગે કહ્યું કે ટ્રમ્પે ઐતિહાસિક ચૂંટણીમાં નિર્ણાયક જીત મેળવી છે અને વિશ્વભરના નેતાઓ જાણે છે કે વિશ્વ મંચ પર અમેરિકાનું વર્ચસ્વ રહેશે. આ કારણે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે ટ્રમ્પ સાથે મજબૂત સંબંધો સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. તમને જણાવી દઈએ કે 20 જાન્યુઆરી 2025ના રોજ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.


  • Follow us on: