અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પૂર્ણ થઈ ચુકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર દેશના રાષ્ટ્રપતિ બની ગયા છે. પરંતુ અમેરિકામાં હજી બંદૂક અને ગોળીબારનો સીલસીલો યથાવત્ રહ્યો છે. નવી સરકાર બની ગઈ છે છતાં પણ ગોળીબારની ઘટના રોકાવાનું નામ નથી લઈ રહી. હવે અમેરિકામાં આવેલા અલબામાંની ટસ્કેગી યુનિવર્સિટીમાં રવિવારે બેફામ ગોળીબાર થયો હતો. આ ઘટનામાં એક વ્યકિત મોતને ભેટી હતી, જ્યારે 16 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ફાયરિંગમાં વિદ્યાર્થીઓ ઘાયલ, આરોપી સકંજામાં
મળતી માહિતી અનુસાર, બેફામ ગોળીબારનો ભોગ બનનાર 18 વર્ષીય યુનિવર્સીટીનો વિદ્યાર્થી નહોતો, પરંતુ ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં કેટલાક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા. પોલીસે હવે ગોળીબાર કરનાર આરોપીની ધરપકડ કરી છે. ગોળીબારમાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને અન્ય ચારને નાની-મોટી ઈજાઓ થઈ હતી.
યુનિવર્સિટીએ એક નિવેદનમાં કહ્યું કે ગોળીબારમાં મૃત્યુ પામેલા વ્યક્તિના માતા-પિતાને જાણ કરવામાં આવી છે. તસ્કેગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા અને તેઓને ઓપેલિકાના પૂર્વ અલાબામા મેડિકલ સેન્ટર અને મોન્ટગોમેરીની બેપ્ટિસ્ટ સાઉથ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, મોન્ટગોમેરીમાં રાજ્ય ફૉરેન્સિક સેન્ટરમાં મૃતદેહની તપાસ કરવામાં આવશે. ગોળીબારની ઘટનામાં ઈજાગ્રસ્તોમાં એક મહિલા વિદ્યાર્થીનો સમાવેશ થાય છે જેને પેટમાં ગોળી વાગી હતી અને એક પુરુષ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે જેને હાથમાં ગોળી વાગી હતી.
ગોળીબાર થયાની સૂચના મળ્યા બાદ પોલીસ તાબડતોબ યુનિવર્સિટી પહોંચીને આરોપીને ઝડપી લઈને તેની સામે કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓના માતા-પિતાને ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે.
ગોળીબારનું કારણ અકબંધ
અમેરિકાના અલબામાં આવેલી તસ્કેગી યુનિવર્સિટી પોલીસ વડાએ જણાવ્યું કે, ગોળીબારના કારણની ઈન્વેસ્ટિગેશન શરૂ કરી દેવામાં આવી છે. વધુમાં તેમને જણાવ્યું કે, સ્પેશિયલ એજન્ટ્સ હજુ પણ ઘટનાઓની માહિતી એકઠી કરી રહ્યા છે. ફાયરિંગનું કારણ પોલીસ તપાસ કરી રહી છે.